રોજગાર@ગુજરાત: ગૌણ સેવા મંડળ દ્વારા 188 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઇ, જાણો એક જ ક્લિકે

 
Gsseb

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે કામના સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષના પહેલા જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 ખાલી જગ્યાઓ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં સંશોધન મદદનીશ વર્ગ-3ની 99 જગ્યા અને આંકડા મદદનીશ વર્ગ-3ની 89 જગ્યાઓ પર ભરતી બહાર પડાઈ છે. આ માટે ઉત્સુક ઉમેદવારો 2 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી સુધી સત્તાવાર વેબસાઈટ પર ફોર્મ ભરી શકાશે.

ગૌણ સેવા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સંશોધન મદદનીશ વર્ગ-3 ને પાંચ વર્ષ સુધી 49,600 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3ને 40,800 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારની 16 જાન્યુઆરી 2024ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા UGC એક્ટ 1856ના સેક્શન-3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડા શાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય આર્થશાસ્ત્ર અથવા ઈકોનોમેટ્રીક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.

કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલ્યની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ અને પરીક્ષા) નિયમો-2006 મુજબ નિયત થયેલી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાત/હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.

વખતોવખત સુધાર્યા પ્રમાણે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો – 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.