ખળભળાટ@ફતેપુરા: મહાકાય સહકારી મંડળી ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ, કાર્યવાહી દબાવવા લગાવ્યું જોર
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકામાં ભ્રષ્ટાચારના આરોપની અને તાજેતરના દિવસોમાં થયેલી ગતિવિધિનો એક ચોંકાવનારો રીપોર્ટ સામે આવ્યો છે. મોટા કદની મહાકાય સહકારી મંડળીના કર્તાહર્તા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો સનસનીખેજ આક્ષેપ અને ફરિયાદ ઉભી થઇ છે. દુકાન ભાડાં પટ્ટે આપવામાં બેફામ ડિપોઝિટ અને તેમાં પણ ગેરરીતિ આચરી વધારે ઉઘરાણી થતી હોવાની ફરિયાદ અને તે પછીનો ઘટનાક્રમ તમને ચોંકાવી શકે છે. નાના માણસને વેપાર કરવા હજુ જગ્યા નથી મળી અને 3 લાખ કાગળ અને 2 લાખ કટકી પેટે પડાવી લીધા હોવાનો આક્ષેપ થતાં દોડધામ મચી છે. જાણીએ સમગ્ર અહેવાલ અને કોની છે સંડોવણી
દાહોદ જિલ્લાના ફતેપુરામાં ધી ફતેપુરા મોટાં કદની ખેતીવિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી આવેલી છે. આ મંડળના સત્તાધીશો દ્વારા મંડળીની દુકાન ભાડાં પટ્ટે આપવામાં આવે છે. આ દુકાન ભાડે આપતાં પહેલાં અધધધ્...... 5 લાખ જેટલી તો ડિપોઝિટ લેવામાં આવે છે. હવે એક વ્યક્તિએ સ્વરોજગાર માટે મંડળીની જગ્યા ભાડે લેવા કરેલી દોડધામમાં જે થયું તેનો સનસનીખેજ રીપોર્ટ આવ્યો છે. ફતેપુરા તાલુકાના એક ગામનાં અરજદારે મંડળીના સંચાલકો વિરૂદ્ધ ગંભીર સવાલો આક્ષેપો સાથે રજૂઆત કરી છે કે, 3 લાખની પહોંચ આપી અને સરેરાશ 2 લાખ ચા પાણી પેટે લીધા છતાં દુકાન ભાડે આપી નથી. આટલુ જ નહિ, વધુ 2 લાખ આપવા દબાણ કર્યું અને જો આ 2 લાખ નહિ આપે ત્યાં સુધી દુકાન નહિ મળે તેવી દાદાગીરી જોઈ અરજદાર ચોંકી ગયા હતા. આથી સમગ્ર મામલે એક ઓથોરિટીને ફરિયાદ કરી પરંતુ ભ્રષ્ટાચારનો કડવો અનુભવ થયાનું સામે આવતાં પગ તળેથી જમીન સરકી ગઈ તેવું બન્યું છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મોટા કદની સહકારી મંડળી વર્ષોથી જગ્યા ભાડે આપી રહી છે. તેમજ જગ્યા ભાડે આપવામાં આવી કોઈ ગેરરીતિ ચાલે છે કે કેમ તે બાબતે ચેરમેન અશ્વિન પારગીને પૂછતાં જણાવ્યું કે, દરેક દુકાનની અલગ અલગ ડિપોઝિટ હોય છે અને તાજેતરમાં આવી કોઈ ઘટના બની નથી અને મારાં ધ્યાનમાં નથી. તો બીજો સવાલ કરતાં કહ્યું કે, પહોંચ આપ્યા પછી કોઈને દુકાન નહિ આપી હોવાનું પણ મને ખબર નથી. જ્યારે વાઇસ ચેરમેન વિશે પૂછતાં જણાવ્યું કે, કાનાભાઇ મહિડા અને તેઓ ઘણાં વર્ષોથી છે. હવે અહીં સવાલ થાય છે કે, ચેરમેનને કંઈ ખબર નથી તો ઓથોરિટીના વડાએ અને મંડળીના સત્તાધીશે મામલો દબાવવા અરજદાર ઉપર જોર કેમ લગાવ્યું ? આટલુ જ નહી, મંડળીના સત્તાધીશો વતી 2 પંકજ અને દીલીપ વચેટીયા તરીકે કેવી રીતે આવ્યા અને લેતીદેતીમાં અચાનક ઉભી પૂંછડીએ કેમ ભાગ્યા ? આ તમામ સવાલોના ઉંડાણમાં મોટા કદની માટે મોટો ઘટસ્ફોટ આવતાં રિપોર્ટમાં.