વનવિભાગ@ડાંગ: રોપા ઉછેર અને બાંધકામનાં લેબર ખર્ચની પારદર્શકતા સામે ગંભીર સવાલો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ઉત્તર ડાંગ વનવિભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી ધીમી ગતિએ ન્યાય અને સરકારના હિતમાં લોકજુવાળ ઊભો થઈ રહ્યો છે. ભલે સીસીએફ ખાતાકીય મુલાકાતે આવી વિવિધ કામોની સમીક્ષા કરી જતાં હોય પરંતુ કેટલાક મુદ્દા ઝીણવટભરી તપાસ થાય તો જ ધ્યાને ચડે તેવા છે. ઉત્તર ડાંગની વિવિધ રેન્જમાં વર્ષમાં અનેકવિધ કામો માટે ટેન્ડર થતાં રહે છે. જેમાં પ્લોટિંગથી માંડીને રોપા ઉછેર અને બાંધકામનાં કામો લેબર મારફતે થાય છે. હવે જે ટેન્ડર પાર્ટીને વર્ક ઓર્ડર મળે તેના સચોટ લેબર સચોટ કામ કરી સચોટ ખર્ચ બતાવી સચોટ ગ્રાન્ટ વનવિભાગમાંથી મેળવતા હશે ? અથવા શું સચોટ લેબરોની સચોટ કામગીરી જોઈ ચકાસી ઉત્તર ડાંગ વનવિભાગની રેન્જ કચેરી ચૂકવણું કરતી હશે ? ચર્ચા એવી જામી છે કે, ટેન્ડર પાર્ટી કાગળ પ્રક્રિયા માટે નામ પૂરતી હોય છે જ્યારે સમગ્ર વહીવટ રેન્જની ટોપ ટુ બોટમ કેડર પાર પાડે છે. જાણીએ સમગ્ર અહેવાલ.
ડાંગ વનવિભાગની ઉત્તર ડીવીઝન કચેરી હેઠળ 8+1 રેન્જ ફોરેસ્ટ કચેરી આવેલી છે. અહિંની રેન્જમાં વર્ષમાં ખાતાકીય એવા જંગલ/વન કામગીરી માટે અને બાંધકામ/જાળવણી સારું ટેન્ડર થાય છે. આ ટેન્ડરમાં લેબરોની જરૂરિયાત હોઈ રેન્જ ફોરેસ્ટ લેબરો માટે પાર્ટીને આમંત્રિત કરતી હોય છે. હવે લાખોની રકમના આ ટેન્ડરમાં જાણીને નવાઇ લાગે તેવી મોડસ ઓપરેન્ડી થાય છે. પ્લોટની સફાઈથી લઈને ખાંડા ખોદવા, રોપાનું વાવેતર અને ઉછેર તેમજ જાળવણી સહિતના કામે વર્ક ઓર્ડર ધરાવતી ટેન્ડર પાર્ટી હકીકતમાં ક્યાં અને કેટલા લેબરો પૂરા પાડે તે અભ્યાસનો વિષય બને તેમ છે. આ ટેન્ડરમાં બીટ ગાર્ડથી માંડીને રેન્જર અને છેવટે ડીસીએફ સુધીના કંઈ એમ જ વિશેષ રસ નથી લેતાં. રાજ્ય વનવિભાગ આ કામે જે ગ્રાન્ટ આપે છે તે હકિકતમાં સદર લેબર ખર્ચ માટે પારદર્શક રીતે ખર્ચાય છે? હવે અહિં જાણીએ શું થઇ રહ્યું છે અને કોણ કેમ રસ દાખવી ટેન્ડર પાર્ટીનું કામ જાતે કરાવે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેન્ડર પાર્ટી નિયમોનુસાર કાગળોની વહીવટી પ્રક્રિયા જાળવી રાખવા પૂરતી છે. લેબરો ક્યાં અને કેટલા જવા દેવા/આવવા દેવા, ક્યાં ટેન્ડર પાર્ટીના લેબરો કાપી રોજમદારો મારફતે કામ કરાવવું, ટેન્ડર પાર્ટીના ગણ્યાગાંઠ્યા લેબરો રેન્જના સ્થળે જતાં હોય તેવા સંજોગોમાં પેમેન્ટ આપવા/લેવામાં કોની કેટલી ભૂમિકા? આ બધું અગાઉથી આયોજનબદ્ધ રીતે રસ ધરાવતી કેડરબેઝ પાર્ટી તૈયાર કરે છે. હકીકતમાં જો રોપા વાવેતર ઉછેર દરમ્યાન કઈ રેન્જમાં કેટલા લેબરો કામ કરે અને બરોબર તે જ સમયે કાગળ ઉપર કેટલી એન્ટ્રી થાય તે બંનેની અરણ્ય ભવનની વિશેષ ટીમ ખાનગી રાહે જોઈ ચકાસે તો મોટો ઘટસ્ફોટ શક્ય બને તેમ છે. હવે પછીના રીપોર્ટમાં ટેન્ડરના કામોમાં ટકાવારી ચાલે છે કે નહિ? તે જાણીશું.