ગંભીર@ડેડીયાપાડા: રસ્તા પર ગટરના પાણી વહેતા લોકો ત્રાહિમામ, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
અટલ સમાચાર, ડેસ્ક
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રહેણાંક વિસ્તારમાં ગટરોના પાણી અવર જવરના રસ્તાઓ ઉપર ફેલાતા લોકો પારવાર હાલાકી ભોગવી રહ્યા છે. સાફ સફાઈ અને સ્વરછતાના ડેડીયાપાડા ગ્રામ પંચાયત દ્વારા જાણેકે ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. ઠેર-ઠેર ભરાયેલા ગંદા પાણી, ફેલાયેલ ગંદકીથી ચૂંટણી ઢંઢેરામાં ક્લીન દેડીયાપાડા અને ગ્રીન દેડીયાપાડાની વાત થતી હોય ત્યારે કેટલા અર્થમાં આ સૂત્ર સાર્થક થયું એ સમજી શકાય છે.
ડેડીયાપાડા જૂની ટોકિઝ વિસ્તાર અને હોળી ચોક વિસ્તારમાં ગટરના ઉભરાતા પાણીના કારણે ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે, જેથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા કેમ સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવતું નથી? આ પ્રકાર ની ગંદકીના કારણે લોકો રોગચાળો ફાટી નીકળવાની દહેશત અનુભવી રહ્યા છે, મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેથી લોકો રોગચાળાનો શિકાર બને તે પહેલા તાત્કાલિક આ ગંદકીનો નીકાલ કરવાની માગ કરી રહ્યાં છે. નર્મદા જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ડેડિયાપાડા છે અને ત્યાં સ્વરછ નગર સ્વરછ ભારતના મિશનનાં ધજાગરા ઉડી રહ્યા છે. લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા સેવી રહ્યા છે.