રિપોર્ટ@શંખેશ્વર: 4-4 વખત ખાતમુહૂર્ત છતાં નથી બનતું તાલુકાનુ બસસ્ટેન્ડ, હવે શું છે ગ્રામજનોની માંગ
અટલ સમાચાર, ડેસ્ક
પાટણ જિલ્લામાં આવેલું જૈન તીર્થ શંખેશ્વર ભારતભરમાં બીજા નંબરનું પ્રસિદ્ધ જૈન તીર્થ છે. આખા વર્ષ દરમિયાન અહીં હજારો જૈન યાત્રિકો દેશ વિદેશથી આવે છે. પરંતુ મુસાફરો માટે વર્ષોથી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી અધૂરી છે. અહીં સૌથી ચોંકાવનારી અને શરમજનક વાત તો એ છે કે, બસ સ્ટેન્ડના 4-4 વખત ખાતમુહૂર્ત થયા પરંતુ છેલ્લા 15 વર્ષથી આ નવીન બસ સ્ટેન્ડની કામગીરી હજી સુધી પૂર્ણ થઇ નથી.
શંખેશ્વરમાં આવેલ જુનું બસ સ્ટેન્ડ વર્ષ 2004માં દબાણ ઝુંબેશ દરમિયાન તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ અનેક વખત આ બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત કરાયા પણ હજી સુધી શંખેશ્વરને નવું બસ સ્ટેન્ડ મળ્યું નથી. ત્યારે ફરી એક વખત શંખેશ્વર બસ સ્ટેન્ડનો પાંચમી વખત ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. જોકે હવે ઝડપથી આ બસ સ્ટેન્ડની કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ યાત્રાધામ વિકાસ મંત્રી જયનારાયણ વ્યાસ દ્વારા 2004-05માં નવીન બસસ્ટેન્ડ માટે ભૂમિપૂજન પણ કરાયું હતું. સાંસદ મહેશ કનોડિયા દ્વારા પણ ખાત મુહૂર્ત કરાયું હતું તે પછી આનંદીબેન પટેલ મુખ્યમંત્રીએ અને પછી ચાણસ્માના ધારાસભ્ય બન્યા બાદ કેબિનેટ મંત્રી બનેલા દિલીપ ઠાકોર અને તેમજગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ખાત મુહૂર્ત કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે અહીં સમસ્યા એ છે કે, હજુ સુધી આ બસસ્ટેન્ડ બનાવવાની શરૂઆત નથી થઈ. આ તરફ હવે ફરી એકવાર શંખેશ્વર બસ સ્ટેન્ડનો પાંચમી વખત ખાતમુહૂર્તનો અવસર આવ્યો છે રાજ્યના ગૃહ મંત્રી તેમજ વાહન વ્યવહારનો વધારાનો હવાલો ધરાવતા હર્ષ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત થશે.