ગંભીર@શંખેશ્વર: અનાજનાં હક્કમાં ચોરીથી ગ્રામજનો ત્રાહિમામ્, ડીએસઓના લીધે મામલતદારમાં ભ્રષ્ટાચારના સૂત્રો
Updated: Feb 18, 2024, 11:29 IST
જો તપાસ રિપોર્ટમાં ગેરરીતિ જણાય છે તો કાર્યવાહીમાં અત્યંત વિલંબ કેમ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
શંખેશ્વર તાલુકામાં અવારનવાર રેશનકાર્ડ ધારકોને અપૂરતું અનાજ મળવાના અને કાયદાકીય હક્કમાં ચોરી થતી હોવાની બૂમરાણ ઉઠે છે. જોકે આ વખતે એકલ દોકલ નહિ પરંતુ આખું ગામ રેશનનો જથ્થો ઓછો મળતો હોવાના આક્ષેપ સાથે ત્રાહિમામ્ છે. મામલો તાલુકા મામલતદારથી માંડી જીલ્લા પુરવઠા અધિકારી સુધીનો છે પરંતુ છેલ્લા દોઢ બે મહિનાથી તપાસના નામે ડિંડક વાળી દેતાં જે થયું તેનાથી ગામલોકો ભારે નારાજ છે. ડીએસઓ કચેરીએ ઠોસ કાર્યવાહી નહિ કરતાં શંખેશ્વર મામલતદારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની હોવાનું ગત શુક્રવાર અને શનિવારે બનેલી ઘટનાથી સામે આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી રૂબરૂ પિરોજપુરા ગામમાં ગયા પરંતુ સત્તાની સાઠમારીના જૂગાડમાં હજી સુધી કાર્યવાહી નહિ થતાં મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા છે. આટલુ જ નહિ જો આગામી 2 દિવસમાં કાર્યવાહી નહિ થાય તો હજારો માણસોની મેદની ઉમટી થવાની ચિમકી આપતાં મામલતદારે ગણતરીની મિનિટોમાં ડીએસઓને વિનંતી કરવી પડી છે. જાણીએ કેમ અને કેવી રીતે નથી મળી રહ્યો ગ્રામ લોકોને ન્યાય.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામ આવેલું છે. અહીં છેલ્લા કેટલાક મહિનાઓથી સસ્તા અનાજની દુકાને મસમોટું કૌભાંડ થઈ રહ્યું હોવાના ચોંકાવનારા આક્ષેપ ખુદ ગામલોકો કરી રહ્યા છે. ડીસેમ્બર 2023 માં ગામલોકોએ તાલુકા મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ કરી હતી કે, ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલક નિયમોનુસાર અનાજનો જથ્થો નથી આપતાં અને રેશનકાર્ડ ધારકોના હક્કનું અનાજ ચોરી કરી રહ્યા છે. આ ફરિયાદ આધારે મામલતદારની ટીમે તપાસ કરી અને જિલ્લા પુરવઠા અધિકારીએ પણ અલગથી તપાસ કરી હતી. હવે અહીંથી શરૂ થાય છે સેટિંગ્સનો અસલી ખેલ. ફરિયાદને સરેરાશ 2 મહિના થવા જાય છે છતાં સંચાલક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહિ અને ગામલોકોની સમસ્યાનું નિવારણ નહિ થતાં દોડધામ મચી છે. ગામલોકો ટેલિફોનિક અને લેટરો કરી કરીને થાકી જતાં આખરે મોટી સંખ્યામાં શંખેશ્વર મામલતદાર કચેરીમાં બે દિવસથી ઉમટી પડે છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે અટલ સમાચાર ડોટ કોમને મળેલી કેટલીક માહિતી જોતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. વાંચો નીચેના ફકરામાં.
છેલ્લા બે દિવસથી પિરોજપુરા ગામલોકો ન્યાય માટે શંખેશ્વર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં સેવા સદનના મામલતદાર કટારિયાની સ્થિતિ કફોડી બની છે. મામલતદાર કટારિયાને આ સમગ્ર બૂમરાણ બાબતે પૂછતાં જણાવ્યું કે, તપાસ રિપોર્ટ જીલ્લા પુરવઠા અધિકારીને સુપ્રત કરેલ છે એટલે હવે ત્યાથી કાર્યવાહી થશે. તપાસ રિપોર્ટ વિશે પૂછતાં જણાવ્યું કે, કાર્યવાહી લાયક કેસ છે તેમ કહેતાં જીલ્લા પુરવઠા અધિકારીની મુલાકાત અને રીપોર્ટીંગ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગામનાં જાગૃત નાગરિક વિપુલ ઠાકોરે જણાવ્યું કે, "જીલ્લા પુરવઠા અધિકારી રૂબરૂ તપાસ કરી ગયા છે પરંતુ કોઈ કાર્યવાહી કરી નથી". હવે અહીં સવાલ એવો થાય કે, ડીએસઓની તપાસમાં બધું બરાબર હશે ? તો સામે મામલતદારે તપાસમાં રીપોર્ટ કાર્યવાહી લાયક હોવાનું કહેતાં 2 તપાસમાં ભિન્નતા હશે ? આ ગંભીર સવાલો અને સામે સતત ગામલોકોની ફરિયાદ છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીની પારદર્શક કામગીરી સવાલો અને શંકાનાં દાયરામાં આવી રહી છે. હવે આગામી ન્યૂઝ રિપોર્ટમાં કરીશું મોટો ઘટસ્ફોટ.