ત્રાહિમામ@કડી: હવામાં ભયંકર પ્રદૂષણની ચોંકાવનારી ફરિયાદ, જીપીસી બોર્ડની કામગીરીનો ઘટસ્ફોટ

 
Kadi
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ‌ જોશી
ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરી અને મહેસાણા શહેરમાં સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ કાર્યક્ષેત્રમાં આવતાં વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ માટે ફરજ બજાવે છે. આ બધી બાબતો નિયમાનુસાર છે પરંતુ કડી શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક વિકાસ વધતાં શુધ્ધ અને તંદુરસ્તી માટે યોગ્ય હવા હવે મુશ્કેલ બની હોવાની શંકા ઉભી કરતી ચોંકાવનારી વિગતો સામે આવી છે. હકીકતમાં કડી એપીએમસીના પૂર્વ ડિરેક્ટર અને ભાજપા આગેવાને કડી શહેર અને આસપાસના વિસ્તારની હવામાં ભયંકર પ્રદૂષણની માત્રાનો મુદ્દો ઊભો કરી ફરિયાદ કરી છે. ભાજપા આગેવાન રમેશભાઈ પટેલે કડી પ્રાંત ઓફીસથી માંડીને ગાંધીનગર સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કડીની હવા શુદ્ધ રહી નથી તેવી ફરિયાદ કરી છે. વાત આટલી નથી, અશુદ્ધ હવાની ગંભીર વિગતો સાથે ગંદી હવાથી રહીશો ભયંકર બીમારીમાં સપડાઈ રહ્યા હોવાનું ઓનલાઇન ફરિયાદમાં જણાવતાં ખળભળાટ મચી ગયો છે. આ આખી ફરિયાદથી મહેસાણા સ્થિત પ્રાદેશિક કચેરી અને જીપીસીબીની મુખ્ય કચેરીના આકાઓ સામે પણ સવાલો ઉભા થયા છે. જાણીએ સમગ્ર અહેવાલ.
મહેસાણા જિલ્લાના કડી શહેરની હવા ડેન્જરઝોનમાં પહોંચી ગઈ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આખી ફરિયાદ જોતાં તાત્કાલિક અસરથી કડી અને આસપાસના વિસ્તારની એર ક્વોલીટી તપાસવી જરૂરી બની ગઇ છે. કડીના ભાજપા આગેવાન રમેશભાઈ પટેલે છેક મુખ્યમંત્રી સુધી કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કડી શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં જનતાનો વસવાટ છે ત્યારે પ્રદૂષણ ઓકતાં યુનિટો દ્વારા રાત્રીના સમયે છોડાતા ઝેરી ગેસનાં કારણે વહેલી સવારથી લઈને સવારના 10:00 વાગ્યા સુધી શહેરનો એર ક્વોલીટી ઈન્ડેક્સ 300 આસપાસ પહોંચી ગયો છે. આ ઈન્ડેક્સ બપોર પછી પણ 150થી નીચે આવતો નથી. આટલુ જ નહિ, ખાસ કરીને થોળ રોડ અંડર બ્રિજથી લઈને નર્મદા કેનાલ સુધી અને વડવાળા હનુમાનજી મંદિર આસપાસના સોસાયટી વિસ્તાર, કરણનગર રોડ, સેવાસદન વિસ્તાર તથા નાનીકડી ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોવાનું જણાવતાં હડકંપ મચી ગયો છે. આવી સ્થિતિમાં પોતાના શરીરને નિરોગી રાખવા વહેલી સવારે નિયમિત કસરત અને યોગ કરતા લોકો પણ હાર્ટએટેક તથા ફેફસાંના રોગોના કારણે મરણ પથાર નજીક જઈ રહ્યા અને કેટલાંકે માંડ પોતાનો જીવ બચાવી શક્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદ કરનાર આગેવાન રમેશભાઈ પટેલ સમાજસેવી છે ત્યારે સરકારને જણાવ્યું છે કે, આ મુદ્દે જનઆંદોલન ઉભું થવાની શક્યતા હોઈ માનવજાતને હાની પહોંચાડી પોતાના રોટલા શેકી પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ વિરૂદ્ધ વહેલીતકે કડકમાં કડક પગલાં લેવામાં આવે. આ સાથે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના બેજવાબદાર અને ફરજમાં નિષ્કાળજી મામલે તપાસમાં મળી આવે તે તમામ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા પણ કડી પ્રાંત, મહેસાણા કલેક્ટર અને મુખ્યમંત્રીને જણાવ્યું છે.