રીપોર્ટ@દાહોદ: સ્વચ્છતાના કર્મચારીની ચોંકાવનારી હરણફાળ, વેપારી સાથે ભાગીદારી કરી ટેન્ડરના કામથી બન્યો ધનપતિ

 
Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં સરકારી ટેન્ડરોમાં વેપારીઓ સાથે હવે આગેવાનો પણ પાછળ નથી ત્યારે આ બંનેના વિકાસથી અંજાઇ કરારી કર્મચારીએ પણ ગોઠવણ પાડી છે. સ્વચ્છતાના એક કર્મચારીએ છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક વેપારી સાથે ભાગીદારી/સેટિંગ્સ કરી ટેન્ડરોના કામો લેવા/અપાવવા મહેનત આદરી છે. નોકરી સાથે પાછલા બારણેથી ટેન્ડરોના કામો મારફતે બિઝનેસમાં ઝંપલાવ્યું છે. આ ગોઠવણથી સ્વચ્છતાનો કરારી જોતજોતામાં કરોડોનો આસામી બની ગયો છે. ખૂબ દૂરથી દાહોદ આવીને કરારી નોકરી કરતો આ સ્વચ્છતા કર્મીની લાઇફસ્ટાઇલ પણ વૈભવી બની ગઇ છે. થોડાં મહિના અગાઉ અધિકારીને ધ્યાને આવતાં છૂટો કરવા પ્રયત્ન કર્યો પરંતુ આ કરારીએ મિત્રોની ઓળખાણ લગાવી હોદ્દા ઉપર રહેવા સફળ રહ્યો છે. જાણીએ સ્વચ્છતાના વેપારીની ટૂંકા ગાળામાં કરોડોની હરણફાળની રોચક વાતો.

દાહોદ જિલ્લામાં આવેલી સ્વચ્છતાની ઓફિસમાં કરારીમા નોકરી કરતા કર્મચારીએ પગાર કરતાં 10 ગણો વિકાસ કરી લીધો છે. ગ્રામ વિકાસ માટે અવારનવાર બહાર પડતાં સરકારી ટેન્ડરોથી વેપારી, આગેવાનો અને નેતાઓનો વિકાસ જોઈ સ્વચ્છતા કર્મચારીએ પણ ટેન્ડર લેવાના ધંધામાં ઝંપલાવી દીધું છે. છેલ્લા કેટલાક વર્ષોથી એક હોદ્દા ઉપર અને એક જ જગ્યાએ ખુરશી ઉપર બેઠેલા આ કરારીએ દાહોદના વેપારીને ટેન્ડરો અપાવી પાછલે બારણે ભાગીદારીનુ સેટિંગ્સ પાડી કરોડોની કમાણી કરી છે. વાત આટલી નથી, આ કરારી કર્મચારીની વિગતો જાણી ભૂતપૂર્વ અધિકારીએ તાત્કાલિક અસરથી છૂટો કરવા પ્રયત્ન કર્યો પરંતુ મોટી ભલામણ લાવી હોદ્દો બચાવી લીધો હતો. બસ પછી તો થોડાં સમયમાં અધિકારીની બદલી થતાં જ કરારીએ વેપારી સાથે વેપાર શરૂ કરી બેહિસાબ આવકમાં હરણફાળ ભરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્વચ્છતાના કામો જ નહિ, ગ્રામ વિકાસના કોઈપણ કામોમાં આ કરારી બાહુબલી બની પોતાના વેપારીને મોટો વેપાર આપી કમાણી કરી રહ્યો છે. આ કરારીની વૈભવી જીવનશૈલી, મોટા રોકાણો, વતનમાં કરેલી સ્થાવર જંગમ મિલકતો અને પગાર સામે જાવકનો હિસાબ ચકાસો તો આંખો પહોળી રહી જાય તેટલો આસામી બની ગયો છે આ કરારી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, સ્વચ્છતાના મોટા ભાગના કૌભાંડો, સ્વચ્છતાના સૌથી વધુ ખરીદીના કામો આ કરારીના સમયમાં થયા છે એટલે બેહિસાબી આવક બનાવવામાં કોઈ કસર છોડી નથી. આગામી રિપોર્ટમાં વધુ ઘટસ્ફોટ કરી કરારીની કૌભાંડ લીલા જાણીશું.