વહીવટ@વડોદરા: વોટરસેડ, એસબીએમ, આવાસ યોજનામાં ચોંકાવનારા સવાલો, ગ્રામ વિકાસ કમિશ્નર અહિં જુઓ

 
Vadodara DRDA

અટલ સમાચાર ડોટ કોમ, અમદાવાદ 

વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ડીડીપીસીની નિયુક્તિમાં પારદર્શકતાનો ગંભીર સવાલ ઊભો થયા બાદ અટલ સમાચાર ડોટ કોમ સમક્ષ ઢગલાબંધ મુદ્દા રજૂ થયા છે. જેમાં સ્વચ્છ ભારત મિશન, પીએમ આવાસ, વોટરસેડ અને મિશન મંગલમ યોજનામાં ચોંકાવનારા આક્ષેપોની રાળ મચી છે. આટલુ જ નહિ, અનેક કામોમાં સરકારના GEM પોર્ટલનો પણ ઉપયોગ કર્યા વગર સેવાઓ લેવામાં આવી છે. ખાસ સ્વચ્છ ભારત મિશન માટે અગાઉ સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં નવા વરાયેલા અને બાહોશ એવા ગ્રામ વિકાસ કમિશ્નરે બરોડા ડીઆરડીએ રૂબરૂ મુલાકાત કરવાની તાતી જરૂરીયાત હોવાનું સામે આવ્યું છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ.......

વડોદરા જિલ્લા પંચાયતની ગ્રામ વિકાસ એજન્સીમાં છેલ્લા કેટલાક વર્ષોથી થતો વહીવટ અનેકને ચોંકાવી રહ્યો છે. નિયામક કહે છે કે, જે લોકો પોતાનું હિત સાચવવાં માંગે તેમની વિરુદ્ધ કામ કરીએ એટલે તેઓને તકલીફ છે, પરંતુ હકીકત કંઇક અલગ છે. એક એક યોજનામાં કઈ કામગીરીમાં ગંભીર સવાલો છે તે સમજીએ. સ્વચ્છ ભારત મિશનમાં વાહનની ખરીદીમાં ધોરણસરની ટેન્ડર પ્રક્રિયાનું પાલન નથી થયું? અનેક શાખામાં જરૂર કરતાં વધુ માનવબળની ભરતી કરી ? પ્રથમની જગ્યાએ પાછળથી વડી કચેરીના/વડા અધિકારીની‌ સહી લેવામાં આવે છે? વોટરસેડમાં ચેકડેમના મોટાભાગના કામો ઓનપેપર પૈકી ગ્રાઉન્ડ ઉપર નથી ? સૌથી ગંભીર સવાલ કે, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશનમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા ખોટી એન્ટ્રીઓ કરી ? આ તમામ ગંભીર સવાલો ઉભા થતાં જવાબો બહાર આવતાં નથી. અધિકારીનો ખૌફ એટલો છે કે, અંદરનો વહીવટ બહાર જવા દેવાતો નથી, જો પારદર્શક હોય તો કેમ દબાવવામાં આવે છે તે પણ ગંભીર સવાલ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, યોજનામાં જ નહિ, વાહનની સેવા લેવામાં પણ જોગવાઈઓ અને પારદર્શક અમલવારી વિરુદ્ધ બૂમરાણ મચી છે. જો કોઈ વાંધો લે કે વિરોધ કરે અથવા નિયમોનુસાર કરવા કહે તો તાત્કાલિક અસરથી સત્તા મુજબની કાર્યવાહી થાય છે. વડોદરા ગ્રામ્ય વિકાસ એજન્સીમાં હકીકતલક્ષી સ્થિતિ જાણવા અને પારદર્શક અમલ કરાવવા રાજ્યના ગ્રામ્ય વિકાસ કમિશ્નર જો પધારે તો મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.