વનવિભાગ@ડાંગ: રોજમદારોની સમસ્યા બેઠક કાગળ ઉપર, ગ્રિવાન્સ સેલમાં આદિજાતિ લેબરો સાથે ચોંકાવનારૂ

 
Dang

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ઉત્તર ડાંગ વનવિભાગમાં ચાલી રહેલાં વહીવટ અને સામે જમીની સ્તર ઉપર રાતદિવસ વન અને પર્યાવરણ માટે મહેનત કરતાં રોજમદારની દાસ્તાન સમજવા જેવી છે. દરેક ડીસીએફ કચેરી કક્ષાએ રાજ્ય વનવિભાગે ગ્રિવાન્સ સેલની રચના કરી તેની બેઠક સહિતના પ્રોસિડીંગની જોગવાઈ કરેલી છે. જેમાં નિયમ સમયે ડીસીએફ પોતાના સ્ટાફ સાથે રેન્જ ફોરેસ્ટના રોજમદારોની સમસ્યાને મંચ આપે છે. આ બેઠક રૂબરૂમાં થાય અને તેની મિનીટ્સ રોજમદાર પ્રતિનિધિને મળે છે. હવે આ નિયમ સામે ડાંગ ઉત્તર વનવિભાગમાં આજસુધી ફેસ ટુ ફેસ ગ્રિવાન્સ સેલની બેઠક નથી મળી અને તેની મિનીટ્સ પણ રોજમદાર પ્રમુખને મળી નથી. ગ્રિવાન્સ સેલની બેઠક બોલાવાય પરંતુ હાજર રહ્યાની સહી કારકૂન જોડે કરાવી રવાના કરી દેવાય છે, અને ખુદ સેલના વડા ડીસીએફ હાજર રહેતાં નથી. એટલે કે તદ્દન કાગળ ઉપરની આ બેઠક કરી વનબંધુ રોજમદારોને ગેરમાર્ગે દોરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.‌ જાણીએ સમગ્ર અહેવાલ.

ડાંગ જિલ્લો ભલે વસ્તી અને વિસ્તારમાં નાનો હોય પરંતુ રાજ્ય વનવિભાગ અહીંના વનબંધુઓ માટે અને અહીંની હરીયાળી માટે અવિરત મહેનત કરે છે. જોકે ડાંગ ઉત્તર વનવિભાગમાં કંઇક ચોંકાવનારો વહીવટ થતો હોવાનું સામે આવતાં ગંભીર સવાલો ઉભા થયા છે. વનકર્મીઓની ટોપ ટુ બોટમ કેડરમાં રોજમદારો જમીની સ્તરેથી કામ કરે છે. સરેરાશ 9 રેન્જના વિવિધ જવાબદારી ધરાવતા રોજમદારોની સમસ્યા માટેના મંચનો મનસ્વી ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. રોજમદારોની સમસ્યા રૂબરૂમાં સાંભળવા માટે ગ્રિવાન્સ સેલ સૌથી મોટું પ્લેટફોર્મ છે. જોકે ડાંગ ઉત્તર વનવિભાગમાં ગ્રિવાન્સ સેલની બેઠક વર્ષોથી કરાઇ નથી. બેઠકનો એજન્ડા નિકળે, તારીખે હાજર રહેવાનું, પરંતુ રોજમદારોના પ્રતિનિધિએ તેમની સમસ્યાનો કાગળ કારકૂનને આપી સહી કરી રવાના થઈ જવું પડે છે. આનાથી રોજમદારોની ગ્રિવાન્સ બેઠક જાણે બાનમાં લેવાઈ હોવાની પરિસ્થિતિ બની છે. રોજમદારોને ગ્રિવાન્સ સેલની બેઠકની મિનીટ્સ પણ નહિ આપીને ઉત્તર ડાંગ ડીસીએફ કચેરી કેવો વહીવટ આપતી હશે તે સવાલ છે. આટલુ જ નહિ કઈ કઈ સમસ્યાની પિડાઈ રહ્યા રોજમદારો તે નીચે વાંચો.

ઉત્તર ડાંગ વનવિભાગમાં ફરજ બજાવતા રોજમદારોને વર્ષ 2022-23 નું ડીએ જે ત્રણ તબક્કામાં ચૂકવવાનું છે તેમાં માત્ર એક જ હપ્તો ચૂકવી 2 હપ્તામાં બાકીનુ ડીએ ચૂકવ્યું નથી. આ પ્રશ્નથી 9 રેન્જના 200થી વધુ કાયમી રોજમદારને મુશ્કેલી પડી રહી છે. એવા અનેક કુશળ રોજમદાર છે જેમના જોબ ડીક્ટેશન આધારે ડ્રાઈવર, ટેબલ કારકૂન અને ટાઇપિસ્ટ વાળા કર્મચારીઓ માટે 1900 ગ્રેડ પે મંજૂર કરવા બાબતે નિર્ણય કરી પરિણામલક્ષી કામગીરી પણ કરવામાં આવી નથી. ટેન્ડર પાર્ટીની કેટલીક કામગીરી પણ ઘણીવાર રોજમદારો મારફતે કરાવાતી હોવાની બૂમરાણ પણ ઉઠી હોઈ ગ્રાન્ટનો પારદર્શી ખર્ચ પણ સવાલો વચ્ચે આવ્યો છે.