એક્શન@અમદાવાદ: AMCના સોલિડ વેસ્ટ વિભાગના આ અધિકારીઓને ફરજમાં બેદરકારી અંગે શો- કોઝ નોટિસ

 
AMC

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં સ્વચ્છતાના 60 દિવસ થીમ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ મ્યુનિ.તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગમાં આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા અધિકારીઓ પૈકી કેટલાક અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનર તરફથી ફરજમાં બેદરકારી દાખવવા બદલ શો-કોઝ નોટિસ અપાતા સોલિડ વેસ્ટ વિભાગમાં સન્નાટો છવાઈ ગયો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને અમદાવાદને કલીન સીટી બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. સોલિડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ પૈકી કેટલાક અધિકારીઓ ઝોન તથા વોર્ડ કક્ષાએ નીચેના વર્ગના કર્મચારીઓ પાસેથી યોગ્ય કામ લઈ શકતા નહીં હોવાની બાબત મ્યુનિસિપલ કમિશનરના ધ્યાનમાં આવી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટીકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં કમિશનરના શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારની મુલાકાત સમયે પ્રતિબંધિત પ્લાસ્ટીકના કાયદાનો કડક અમલ કરાવવા મામલે સોલિડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક આસિસ્ટન્ટ ડાયરેકટર કક્ષાના અધિકારીઓની નિષ્ક્રીયતા તેમના ધ્યાનમાં આવી હતી. 

આ તરફ કચરાના ઢગલા,ન્યુસન્સ પોઈન્ટ ઉપરાંત ડોર ટુ ડોરના વાહનો પાછળ કચરા ભરેલા થેલા લટકાવવામા આવતા હોવા જેવી બાબતને તેમણે ગંભીરતાથી લીધી હતી.હાઈકોર્ટના આદેશ બાદ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાંથી સિલ્વરટ્રોલીઓ ઉપાડી લેવામા આવી હતી.સિલ્વરટ્રોલી ઉપાડી લેવાઈ હોય તે સ્પોટ ઉપર લોકો કચરો ના નાંખે તે જોવાની જવાબદારી પણ આસિસ્ટન્ટ ડાયરેકટર ઓફ સોલિડ વેસ્ટને સોંપવામા આવી હતી.