કાર્યવાહી@ગુજરાત: ઇતિહાસમાં પહેલીવાર રાજ્યની જેલોમાં એકસાથે દરોડા, સુરતમાં કેદીઓએ આગ લગાડી

 
Jail

અટલ સમાચાર, ડેસ્ક

ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરની જેલોમાં છાપામારીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલાં ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બે કલાક સુધી મેરાથોન મિટિંગ ચાલી હતી. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં રાતથી સવારના 5 વાગ્યા સુધી સર્ચ-ઓપરેશન ચાલ્યું હતું. આ તપાસમાં 500 પોલીસકર્મચારીઓએ ચેકિંગ કર્યું હતું. જ્યારે વડોદરા જેલમાં ચેકિંગ દરમિયાન બીડી, સિગારેટ અને ગુટખા મળ્યાં હતાં. ચેકિંગ પૂર્ણ થયે તમામ જેલના ચેકિંગનો ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી ગૃહમંત્રીને મોકલાશે.

મહત્વનું છે કે, શુક્રવારે રાતે અમદાવાદ સહિત રાજ્યની જેલોમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. તેમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં અમદાવાદ શહેરના 20 જેટલા PI દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. તમામ PIને ટીમ સાથે અલગ અલગ બેરેક સોંપવામાં આવી હતી.સર્ચ દરમિયાન છોટા ચક્કર બેરેકમાંથી પોલીસને ગાંજાની કેટલીક પડીકી મળી હતી. અંદાજીત 100 ગ્રામ જેટલો ગાંજો પોલીસે કબ્જે કરી કેદી સામે કાર્યવાહી શરૂ કરી છે. હાલ ગાંજો જ છે કે અન્ય પદાર્થ તેની પણ FSL દ્વારા તપાસ થઈ રહી છે. પોલીસ દ્વારા જેલમાં પંચનામું કરવાના આવી રહ્યું છે. સમગ્ર મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે.

જોકે આ પકડાયેલ જથ્થો ગાંજો છે તો તે જેલમાં કઈ રીતે આવ્યો,કોણ લાવ્યું તથા કોની મદદથી આવ્યો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.આ મામલે કોઇ જેલકર્મીની સંડોવણી છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવશે તથા કોઈ કર્મચારીની સંડોવણી છે તો નાના કર્મચારીના માથે જ દોષનો ટોપલી ઢોળી કાર્યવાહી પુરી કરવામાં આવશે કે તપાસ આગળ વધારવામાં આવશે તે અંગે સવાલ છે.

Jaherat
જાહેરાત

આ સાથે રાજકોટ જેલમાં 1 જેસીપી, 3 ડીસીપી, 4 એસીપી, 10થી વધુ પીઆઇ, 15થી વધુ પીએસઆઇ સહિત 500 પોલીસકર્મીઓ સર્ચ-ઓપરેશનમાં જોડાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડોગ-સ્ક્વોડ, સાયબર સેલ સહિતની બ્રાન્ચ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આખી રાત ચાલેલા સર્ચ-ઓપરેશન વહેલી સવારે 5 વાગ્યે પૂર્ણ થયું હતું, જેનો ફાઈનલ રિપોર્ટ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોકલવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે રાજ્યની તમામ જેલોની અંદર એક સાથે પોલીસની મોટી ટીમ ઉતરીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે સુરતની સૌથી મોટી લાજપોર જેલ ખાતે સુરત પોલીસના 250થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ સાથેનો કાફલો જેલની અંદર પહોંચ્યો હતો. જેલમાં ચાલતી ગેરકાયદેસર ગતિવિધિઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેલની અંદર પોલીસનું સર્ચ ઓપરેશન જોતા કેદીઓએ ભારે ધમાલ મચાવી હતી. પોલીસની કામગીરીને રોકવા અને અડચણરૂપ થવા માટે કેદીઓ દ્વારા જેલની અંદર આગ પણ લગાવવામાં આવી હતી. સાથે બેરેકના કેદીઓ દ્વારા સૂત્રોચાર અને વિરોધ પણ કર્યો હતો.

Surat

નોંધનીય છે કે, રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી સૂચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ ગત રાત્રે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્ત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં રાજ્યના ગૃહ સચિવ નિપુણા તોરવણે, રાજ્યના પોલીસવડા વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસવડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.