ક્રાઇમ@સુરેન્દ્રનગર: ઘોર કળિયુગ, પુત્રએ મિત્ર સાથે મળીને કરી પિતાની હત્યા, કારણ ચોંકાવનારું
અટલ સમાચાર, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સડલા ગામે સંપત્તિ માટે પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાની ઘટના ઘટી છે. પિતાની હત્યા કરનાર હત્યારા પુત્ર અને તેના મિત્રની પોલીસે અટકાયત કરી છે. પાટડીના સડલા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં નાના ગૌરયા ગામના ખેડૂત શાંતિલાલ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં કરતા શાંતિલાલ નામના ખેડૂતની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે તપાસ હાથ ધરવામાં આવતા પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. મૃતક શાંતિલાલ પાસે હાલ 115 વિઘા જમીન અને લાખો રૂપિયાની ફિક્સ ડિપોઝીટ છે. તે તાત્કાલિક મેળવવા માટે પુત્ર અમિત પટેલ અને તેના મિત્ર કલ્પેશ ઠાકોરે સાથે મળી અને શાંતિલાલને ગળેટુંપો આપી અને હત્યા કરી નાખી હતી. પિતાની હત્યા કર્યા બાદ હત્યારા પુત્ર અમિતે તેના મિત્ર કલ્પેશને 10 લાખની રકમ આપવાની વાત કરી હતી. હાલ પિતાની હત્યા કરનારા પુત્ર અને તેના મિત્રને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં સંપત્તિ માટે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.