કૃષિજગત@ગુજરાત: રાજ્યમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર, જાણો શું કહ્યું કૃષિ મંત્રીએ ?

 
Raghavji Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. જેથી ગુજરાતમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે.જેથી ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવુ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યુ હતુ.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ગુજરાત જીરાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે. ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે. ગત વર્ષે ગુજરાતમાં 2.61 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં 202.58 ટકા જેટલો વધારો નોંધાયો છે.

રાઘવજી પટેલે વધુ માહિતી આપતા કહ્યુ હતુ કે, રાજ્યમાં ધાન્ય પાકોમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. ગુજરાતમાં આ વર્ષે કુલ 5.64 લાખ હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે તેલીબિયાં પાકોમાં સૌથી વધુ રાઈનું કુલ 2.64 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.