આયોજન@ગાંધીનગર: આયુર્વેદની પેઢીઓને ઓનલાઇનમાં હોશિયાર કરવા સ્પેશિયલ કવાયત, 4 સ્થળોએ તૈયારી

 
Arogay
સેમિનારથી આયુર્વેદિક પેઢીઓને પોર્ટલનો સફળ ઉપયોગ કરવાની એક પ્રકારે તાલીમ મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર

ગાંધીનગર સ્થિત ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી દ્વારા આયુર્વેદ માટે વધુ એક કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઓનલાઇન સિસ્ટમ આપી નવીન સગવડ કરી આપ્યા બાદ શિક્ષણનું પણ બીડું ઉઠાવ્યું છે. આ ઓનલાઇન પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનો લાભ કેવી રીતે ઉઠાવવો તે સહિતની સઘળી માહિતી આપવા સ્પેશિયલ સેમિનારનુ આયોજન કર્યું છે. હોળી ધુળેટી તહેવાર બાદ રાજ્યના કુલ 4 સ્થળોએથી આયુર્વેદિક પેઢીઓને માહિતગાર કરવા સેમિનાર થશે. આ સેમિનારમાં તાજેતરમાં શરૂ કરેલ પોર્ટલનો વધુને વધુ ઉપયોગ કરવા અને તેમાં પણ પેઢીઓને હોશિયાર બનાવવાની તૈયારી કરવામાં આવી છે. સમગ્ર આયોજન ગુજરાત ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટીના વડા એચ.જી કોશિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે.

Arogay

 

ગુજરાત રાજ્ય સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી દ્વારા Portalayudmla.gujarat.gov.in નું લોકાર્પણ અગાઉ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે આ સિસ્ટમને કાર્યરત થયાને એક વર્ષ પુર્ણ થયેલ છતાં પેઢીઓ માટે પ્રચાર પ્રસાર સહ શિક્ષણની જરૂરિયાત રહી છે. આથી ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા ઓનલાઇન પોર્ટલ થકી પેઢીઓ માટે સરળતામાં વધારો કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર, રાજકોટ, સુરત અને વાપી ખાતે સેમિનાર ગોઠવવામાં આવ્યા છે. જેમાં આગામી તારીખ 10 માર્ચે બપોરે 2થી 4 ગાંધીનગર સ્થિત ફુડ એન્ડ ડ્રગ્સની કચેરીએ સેમિનાર છે. આ પછી 14 માર્ચે રોટ્રરી કલબ, વિદ્યા નગર મેઇન રોડ, રાજકોટ ખાતે સેમિનાર થશે. જ્યારે 28 માર્ચે જે.ડી. ગાબાણી લાઇબ્રેરી હોલ, સરગમ ડૉક્ટર હાઉસની સામે, વરાછા મેઇન રોડ, સુરત ખાતે મોટી સંખ્યામાં આયુર્વેદિક પેઢીઓને માહિતગાર કરાશે. જ્યારે ઔદ્યોગિક નગરી વાપી ખાતે 29 માર્ચે બપોરે 2 વાગ્યે ઝોનમાં આવતી તમામ આયુર્વેદિક પેઢીઓને ઓનલાઇન પોર્ટલથી અપડેટ કરવામાં આવશે.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સંયુક્ત કમિશનર (આયુર્વેદ) દ્વારા 4 માર્ચે પરિપત્ર કરી સમગ્ર આયોજન જાહેર કરવામાં આવ્યું છે. હવે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પણ પૂર્વ તૈયારી કરવા જણાવવામાં આવ્યું છે. આ માટે આયુર્વેદ પેઢીઓના ઉત્પાદકે રજીસ્ટ્રેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરી fdcaayurvedagujarat@gmail.com મેઈલ કરવાનો રહેશે. આ માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તમામ જિલ્લાની કચેરીઓને જાણ કરી આયુર્વેદિક પેઢીઓને સેમિનારમાં ઉપસ્થિત રહેવા જણાવી દેવા કહેવામાં આવ્યું છે.