સ્પેશ્યલ@ગુજરાત: આંગણવાડી બહેનોને મળશે નવો સ્માર્ટફોન, આઇસીડીએસ 55હજારથી વધુ મોબાઈલ ખરીદશે
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના આઇસીડીએસ દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. આંગણવાડી બહેનોને અગાઉ આપેલ મોબાઈલ જૂનો થતાં હવે ફરીથી નવો સ્માર્ટફોન આપવા કવાયત હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર રાજ્યની ગ્રાન્ટ હેઠળ 55હજારથી વધુ આંગણવાડી વર્કરોને સ્માર્ટફોન આપવા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થયેલી છે. જરૂરી સ્પેશિફીકેશન હેઠળ શરૂ થયેલ ખરીદ પ્રક્રિયા અંતર્ગત સેમસંગ જેવી હાઇટેક કંપની અથવા અન્ય કોઈ કંપનીનો મોબાઇલ ખરીદવા રૂ.50 કરોડથી વધુનો ખર્ચ થાય તેમ છે. વાંચો સમગ્ર અહેવાલ.
ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગની સંકલિત બાળવિકાસ સેવા યોજના હેઠળની આંગણવાડી બહેનોની કામગીરીનો રીપોર્ટ ઘણાં વર્ષોથી સ્માર્ટફોન મારફતે અધિકારીઓ, એકમ સુધી પહોંચે છે. જોકે અગાઉનો મોબાઈલ જૂનો થતાં, ક્યાંક ખરાબ થતો હોવાની બૂમરાણ ઉભી થતાં અને નવા સ્માર્ટફોનની જરૂરિયાત ઉભી થતાં આઇસીડીએસ દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે. કુલ 55532 મોબાઈલ ખરીદવા ટેન્ડર પ્રક્રિયા કરી તેમાં હાલની સ્થિતિએ સરેરાશ 84 કરોડ ખર્ચની સંભાવના બની છે. જોકે કેન્દ્રની જ અથવા કેન્દ્ર રાજ્યની ગ્રાન્ટની રકમ બાબતે વિગતો સ્પષ્ટ નહિ થતાં કોનું કેટલું બજેટ તે કહેવું મુશ્કેલ છે.
આમ છતાં મોટાભાગની ગ્રાન્ટ કેન્દ્રની છે ત્યારે એક સ્માર્ટફોન સરેરાશ રૂ.10હજારથી વધુ કિંમતનો હોઈ શકે છે. આ તરફ ટેન્ડર પ્રક્રિયામાં જે સ્થિતિ પહોંચી તે મુજબ જોઈએ તો એક મોબાઇલ સરેરાશ રૂ.15હજાર સુધી પહોંચવા તરફ છે. જે પ્રમાણે આઇસીડીએસ દ્વારા સ્પેશિફીકેશન મુજબ સ્માર્ટફોનની ટેન્ડર ઉપર માંગણી થઈ છે તે જોતાં 4 જીબી વધુની રેમ હોઈ શકે છે અને ડેટા આપ-લે માટે પ્રોસેસર પણ સુપર ફાસ્ટ હોઈ શકે છે. જે અંતર્ગત ઓફર કરવા આવેલી પાર્ટીએ સેમસંગ કંપનીનો સ્માર્ટફોન આપવા તૈયારી બતાવી છે. અહિં ઉલ્લેખનીય છે કે, અગાઉનો સ્માર્ટફોન પેનાસોનિક કંપનીનો રહ્યો છે.

