સેટિંગ્સ@મહેસાણા: સાચવવાની જવાબદારી છતાં કરી ચોરી, એસઆરપી જવાનો રંગેહાથ ઝડપાઇ ગયા

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લામાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ સાંથલ ગામની સીમમાં આવેલા બંધ ONGC પ્લાન્ટમાં પડેલા સમાનની દેખરેખ માટે રાખવામાં આવેલા SRP ગ્રુપ 15ના જવાનો મુકવામાં આવ્યા હતા. ગુજરાતી કહેવત મુજબ વાડ જ ચીભડા ગળે તેમ આ જવાનો જ ભેગા મળી રાત્રી દરમિયાન પોતાની ગાડીમાં પ્લાન્ટનો સમાન ચોરી કરતાં હતા. જોકે ONGCના ઈન્ટેલિજન્સ ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા આ લોકો રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
મહેસાણા જિલ્લાના સાંથલ ગામની સીમમાં બંધ ONGC પ્લાન્ટના સામાનની ચોરીની ઘટના સામે આવી છે. માહિતી મુજબ મહેસાણા ONGCના ઈન્ટેલિજન્સ ટીમના ઇન્સ્પેક્ટર દક્ષેશ જોષી, ઈશ્વર ભાઈ પ્રજાપતિ, સુરક્ષા નિરીક્ષક રોનક પ્રજાપતિ, કુલદીપ સિંહ શહારણ રાત્રે પોતાની ગાડીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે નીકળ્યા હતા. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, સાંથલ ફ્રેઝ 1 ONGCના બંધ પ્લાન્ટ પર રાખેલ સામાનની ત્યાં ફરજ બજાવતા SRP જવાનોજ ચોરી કરે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમી હોઇ ટીમ મોડીરાત્રે સાંથલ પ્લાન્ટ પર પહોંચી હતી. આ દરમિયાન એક ગાડી આવતા તેણે રોકી તપાસ કરતા SRP જવાન સમાન ચોરીને જતો ઝડપાયો હતો. ચેકિંગ દરમિયાન GJ 02 CL 5631 ગાડીમાં સવાર SRP 15નો આર્મ પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ભોઇ પોતાની ગાડીમાં રાત્રે પ્લાન્ટ પર પડેલ સમાન ડેકીમાં મૂકી ચોરી કરતા ઝડપાયો હતો.

ઝડપાયેલા જવાને ગુનો કબૂલ્યો
આ સાથે ઝડપાયેલા જવાને આ મામલે કબુલાત કરી જણાવ્યું હતું કે, ફ્રેઝ 11 પર ફરજ બજાવતા SRP ASI મોંઘજી પવાયા, SRP કોન્સ્ટેબલ સુહાગ રાઠોડ, SRP કોન્સ્ટેબલ કિશન રાઠોડ મળી ફ્રેઝ1 માં ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. જે બાદમાં સાંથલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવતા ગાડીમાં તપાસ કરતા લોખંડનો ભગાર કિંમત 16,000, લોખંડ કાપવાનું મશીન થતા વાયર કિંમત 2 હજાર, એક ફોન કિંમત 2 હજાર, એક ગાડી કિંમત 3 લાખ મળી કુલ 3,20,000ના મુદ્દામાલ સાથે SRP જવાનને ઝડપી પાડયા હતા. આ સાથે તમામ સામે સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.