કાર્યવાહી@ગુજરાત: ST નિગમે 6 હજારથી વધારે ડ્રાઈવર-કંડક્ટર સામે લીધા આકરા પગલા, જાણો શું છે કારણ ?
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત એસટી કર્મચારીઓ સામે એસટી નિગમ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. એસટી નિગમ દ્વારા આવા 6 હજારથી વધારે કર્મચારીઓ સામે આકરા પગલાં લીધા છે. એસટી વિભાગમાં એક ફરિયાદ અવાર નવાર આવતી રહી છે કે, મુસાફરો સાથે ડ્રાઈવર કે કંડક્ટર દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે અથવા તો ટિકિટમાં ગોલમાલ થઇ રહી છે કે પછી નિયત કરેલા સ્ટોપ પર પોતાની માનસૂફીના કારણે ડ્રાઈવર દ્વારા બસ નથી રોકવામાં આવતી. જેને પગલે એસટી નિગમ દ્વારા આવા કર્મચારીઓ પર આંકરુ વલણ દાખવ્યું છે. ગત એપ્રિલથી સપ્ટેમ્બર માસ સુધીમાં જ 6 હજાર 717 ડ્રાઈવર અને કંડક્ટર સામે પગલાં લીધા છે. અને તેને આચરેલા ગુના મુજબ સજા પણ ફટકારવામાં આવી છે.
એસટી નિગમને છેલ્લા 6 માસમાં 3768 ડ્રાઈવર તો 2949 કન્ડકટર સામે ફરિયાદ મળી હતી. જેમાં તપાસ બાદ અલગ અલગ તબક્કે ફરિયાદ મુજબ પગલાં લેવામાં આવ્યા છે. અતિ ગંભીર બેદરકારી દાખવવા બદલ 110 કર્મચારીને તો નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. 3 કર્મચારીને સ્ટેપ ડાઉન કરાયા એટલે કે તેમનો હોદ્દો ડાઉન ગ્રેડ કરાયો છે. 290 કર્મચારીના 6 માસિક તો કેટલાકના કાયમી ઇન્ક્રીમેન્ટ રોકી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. 5100 કંડક્ટર એવા છે કે જેમની પાસેથી ટિકિટ મુદ્દે રિકવરી કરવામાં આવી તો, 1300 કર્મચારીઓ એવા છે જેને દંડ ફટકારવામાં આવ્યો છે. તો 300 કર્મચારીઓને કારણ દર્શક નોટિસ મોકલી ખુલાસો માંગવામાં આવ્યો, સાથે જ બીજી વખત આ રીતે ભૂલ ના કરવા બાંહેધરી લેવામાં આવી છે.
સામાન્ય રીતે ડ્રાઈવર સામે, નિયત કરેલા સ્ટોપ પર બસ ના રોકવી, રફ ડ્રાઇવિંગ કરવું અને નોકરી દરમિયાન નશો કરવો તેમજ ગેરવર્તણૂક કરવી કે નિયત કર્યા સિવાયની હોટેલ પર સ્ટોપ આપવા જેવા ગુનામાં ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જ્યારે કંડક્ટરની વાત કરીએ તો તેની સામે, જવાના સ્થળ કરતા નજીકના સ્થળની ટિકિટ આપી કટકી કરવી કે અડધો રૂટ પૂર્ણ થયા બાદ ટિકિટ આપી કટકી કરવી, કે પછી ટિકિટ જ ના આપવા જેવી બાબતે કટકી કરવી, આ ઉપરાંત મુસાફર સાથે ગેરવર્તણુક કરવા જેવા ગુનામાં કાર્યવાહી કંડક્ટર સામે કરવામાં આવતી હોય છે. આમ હવે એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે અને તેમને એસટીની મુસાફરીનો સારો અને યોગ્ય અનુભવ રહે તેના માટે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવે છે. તેમ છતાં ઘણા કર્મચારીઓ નિયમ વિરુદ્ધ વર્તન કરે છે એવા સંજોગોમાં કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે.