આયોજન@સુરત: દિવાળી ટાંણે ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાની શરૂઆત, જાણો અહીં
અટલ સમાચાર, ડેસ્ક
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્ર તરફ જતા લોકોનો પ્રથમ દિવસે ભારે ઘસારો જોવા મળ્યો હતો. સુરત એસટી વિભાગના નિયામક અધિકારીના જણાવ્યા અનુસાર હમણાં સુધી કરંટ અને ઓનલાઈન મળી કુલ 800 જેટલી બસોનું બુકિંગ મળી ચૂક્યું છે જેના થકી સુરત એસટી વિભાગને દોઢ કરોડ રૂપિયા જેટલી આવક ફળી છે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી સુરત એસટી વિભાગ દ્વારા દિવાળી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ દિવાળીના પર્વની રજા માણવા માદરે વતન જતા લોકો માટે એક્સ્ટ્રા બસોના સંચાલનની શરૂઆત કરવામાં આવી છે. સુરતના કાપોદ્રા સ્થિત ધારૂકા વાળા કોલેજ ખાતેથી સુરત મેયર દક્ષેશ માવાણી, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, એસટી વિભાગના નિયામક પીવી ગુર્જર તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે આ બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવી છે. જેમાં હાલ જ વાહન વ્યવહાર મંત્રી દ્વારા સુરત એસટી વિભાગને ફાળવવામાં આવેલી 20 જેટલી નવી બસોનો પણ સમાવેશ થાય છે.
એસટી વિભાગ દ્વારા માદરે વતન જતા લોકો માટે ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવા અંગેનું આયોજન કરાયું છે. જેમાં કરંટ બુકિંગ, ગ્રુપ બુકિંગ અને ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી વિભાગને હમણાં સુધી 600 જેટલું કરંટ અને 200 ઓનલાઈન બસોનું બુકિંગ મળી ચૂક્યું છે. જેના થકી એસટી વિભાગને દોઢ કરોડ રૂપિયા જેટલી આવક ઊભી થઈ છે. હાલ પણ એસટી વિભાગને સતત બુકીંગ મળી રહ્યું છે. જેના કારણે બસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા રહેલી છે. હમણાં સુધી 50, 000 જેટલા મુસાફરો નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત આજથી આ બસોનું સંચાલન શરૂ કરાયું છે. જે સાંજના ચાર વાગ્યાથી લઈ રાત્રિના દસ વાગ્યા સુધી કાપોદ્રા ધારુકાવાળા કોલેજ ખાતેથી બસો દોડાવવામાં આવશે. એસટી વિભાગ દ્વારા 7.11.2023 થી 11.11.2023 સુધી આ બસોનું સંચાલન કરવામાં આવશે.