કાર્યવાહી@ગુજરાત: સ્પા સેન્ટરમાં પોલીસના રાજ્યવ્યાપી દરોડા, અમદાવાદમાં જ 350 સ્પામાં તપાસ

 
Spa

અટલ સમાચાર, ડેસ્ક

સ્પામાં રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ વિવિધ સ્પા સેન્ટરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. શહેર પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સ્પા સેન્ટર પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં 350 જેટલા સ્પામાં તપાસ કરવામાં આવી છે. પોલીસે જાહેરનામા ભંગની 9 ફરીયાદ નોંધી 8 લોકોની ધરપકડ કરી છે.

આ ફરિયાદને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં 70થી વધુ સ્પામાં દરોડા પાડી 50 સ્પા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે રાજકોટમાં 50થી વધુ સ્પામાં દરોડા પાડી 13 સ્પા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરામાં 20થી વધુ સ્પામાં દરોડા પાડી 2 સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગરમાં 5 સ્પામાં દરોડા પાડવામાં આવ્યા જેમાં કંઈજ મળ્યુ ન હતુ.

રાજ્યભરમાં સ્પા સંચાલકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરના કલોકમાં સ્પા નામે કુટણખાના મળી આવ્યા છે. કલોકમાં પોલીસે, 3 અલગ અલગ સ્પા પર દરોડા પાડ્યા હતા. જેમાં તનીશા રોયલ સ્પા, રેડ ડાયમંડ સ્પા અને ડેવિંગસી સ્પા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રણે સ્પા સંચાલકો ગુજરાત બહારથી મહિલાઓને લાવી દેહ વ્યાપારનો ધંધો કરતા ઝડપાયા છે.

અરવલ્લીના મોડાસા શહેરના એટલાન્ટા કોમ્પ્લેક્ષની A-1 સ્પામાં પોલીસ ત્રાટકી હતી. અરવલ્લીમાં પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ત્રણ સ્પામાં દરોડા પાડ્યા હતા. એટલાન્ટા કોમ્પ્લેક્ષની A-1 સ્પા, મિડલ ટાઉન કોમ્પ્લેક્ષની ચંદન થાઈ સ્પા, તત્વ આર્કેટની રોયલ ટચ સ્પા પર પોલીસે દરોડા પાડ્યા હતા. SOG, LCB અને ટાઉન પોલીસે સંયુક્ત કામગીરી કરી હતી. જોકે આ ત્રણેય સ્પામાંથી પોલીસને કંઈ જ હાથ લાગ્યું ન હતું. પોલીસે દસ્તાવેજ સહિતની તપાસ હાથ ધરી છે.