શોખ@બારડોલી: સરકારી શાળામાં વિદ્યાર્થી ઘોડી પર સવારી કરી ભણવા પહોંચ્યો, જાણો વધુ

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાનકડા ગામ કરવા ખરવાસાનીમાં એક બાળક ઘોડે સવારી કરી રહ્યું છે. આ બાળક ઘોડે સવારી કરીને ફરવા નથી જતો. પરંતુ પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે જાય છે. આ બાળકનું નામ છે કુશ મહેશભાઈ રાઠોડ જે શ્રમજીવી પરિવારમાંથી આવે છે. બાળક એક વખતે ખેતી કામે જતા તેને એક ઘોડીનું બચ્ચું મળી આવ્યું હતું. આ ઘોડીના બચ્ચાને બાળકે પાલનપોષણ કરીને મોટું કર્યું હતું. બચ્ચા સાથે એવો તો લગાવ થઈ ગયો કે બાળક જ્યાં જાય ત્યાં ઘોડીને બચ્ચાને સાથે જ લઈને જાય છે.

હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય પણ ચાલુ હોય આ કુશ રાઠોડ નામનો બાળક નિત્યક્રમ પ્રમાણે પોતાના ઘરેથી ઘોડી પર બેસીને શાળાએ આવે છે. વર્ગખંડમાં જવા પહેલા ઘોડીને શાળા બહાર બાંધી દે છે. તેના માટે ચારો પણ વ્યવસ્થા કરી દે છે. ખાસ કરીને કાર તેમજ વાહનોમાં આવતા શિક્ષકો પણ બાળકનો અશ્વ પ્રેમ જોઈને અભિભૂત થઈ જાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મોટી શાળાઓ તો ઠીક પણ ગામડા ગામની પ્રાથમિક શાળામાં ઘોડે સવારી કરીને ઠાઠમાંથી આ નાનકડો કુશ રાઠોડ નામનો બાળક શાળાના પટાંગણમાં પ્રવેશે છે. બાળક કુશ રાઠોડ છેલ્લા ચાર વર્ષથી આ જ પ્રકારે પોતાના નિત્યક્રમ જાળવીને ઘોડી ઉપર સવાર થઈને પોતે શાળાએ આવે છે. જોકે ઘોડીને પણ શાળાના પટાંગણમાં જ બાંધી દેતા નવરાશના સમયે વિદ્યાર્થીઓ પણ એ ઘોડીને ચારો નાખવા અને રમાડવા પહોંચી જાય છે અને શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થી ફરી ઘોડી પર બેસીને પરત ઘરે જાય છે.