કાર્યવાહી@રાજકોટ: લર્નિંગ લાયસન્સ સાથે વાહન ચલાવતા વિદ્યાર્થીઓ-વાલીઓ ચેતજો, ટ્રાફિક પોલીસ એક્શનમાં
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટમાં લર્નિંગ લાયસન્સ સાથે વાહન ચલાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાવધાન થઈ જજો, કારણ કે નિયમોની અમલવારી માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે. આજથી ટ્રાફિક શાખા શાળા અને કૉલેજ નજીક ડ્રાઈવ ચલાવશે. રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર પણ ચેકિંગ કરાશે.
રાજકોટના ડીપીસી પૂજા યાદવના જણાવ્યા પ્રમાણે 16 વર્ષની વ્યક્તિ 50 CCથી નીચેની કેટેગરીવાળું વાહન ચલાવી શકે છે તેના માટે તેને લાઇસન્સની જરૂરિયાત નથી. પરંતુ 50 CCથી વધુ કેટેગરીના વાહન એટલે કે બાઇક-સ્કૂટર સગીર વિદ્યાર્થીઓ ચલાવી ન શકે તેવો નિયમ છે અને જો 50 CCથી વધુનું વાહન ચલાવે તો સાથે પાકુ લાયસન્સ ધરાવતી પુખ્ત વયની વ્યક્તિને બેસાડવી ફરજિયાત છે. જો નિયમનો ભંગ થશે તો ટ્રાફિક પોલીસ સગીર વિદ્યાર્થી અને તેના વાલી સામે કાર્યવાહી કરી શકે છે.
રાજકોટ ટ્રાફિક શાખાએ આપેલી માહિતી પ્રમાણે સગીર અને તેના વાલી સામે MV એક્ટની અલગ-અલગ કલમો હેઠળ કાર્યવાહી થશે. જેમની પાસે લાઇસન્સ ન હોય અને તે વાહન ચલાવતા પકડાય તો તેની સામે કલમ 3 હેઠળ કાર્યવાહી થાય છે, કલમ 4 હેઠળ ઉંમરને આનુસંગિક કાર્યવાહી થાય છે. 16 વર્ષની વ્યક્તિ 50 CCથી વધુ કેટેગરીવાળું વાહન ચલાવતા પકડાઇ તો તેની સામે આ કલમ હેઠળ કાર્યવાહી થાય છે અને આવા કેસમાં તેના વાલી સામે એમવી એક્ટની કલમ 5(181) હેઠળ કાર્યવાહી થાય છે. સગીર વાહનચાલક અકસ્માત સર્જે તો તેના વાલી સામે કલમ 5(181) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે અને કોર્ટમાં તે કેસ સાબિત થાય તો તે વાહનના માલિકને 25 હજારનો દંડ અથવા 6 માસની કેદ અથવા દંડ અને સજા બંને થઇ શકે તેવી જોગવાઇ છે.