બ્રેકિંગ@પાટણ: 3 દિવસમાં આપઘાતની બીજી ઘટના, હારીજમાં ધો-9ના વિદ્યાર્થીએ કેનાલમાં કૂદી જીવન ટૂંકાવ્યું
અટલ સમાચાર, ડેસ્ક
પાટણ જિલ્લામાં ત્રણ દિવસમાં આપઘાતની બીજી ઘટના સામે આવી છે. અગાઉ પાટણમાં એક યુવકે આપઘાત કર્યા બાદ હવે હારીજની કેનાલમાં કૂદી એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી દીધું છે. પ્રાથમિક માહિતી મુજબ આ વિદ્યાર્થી પીપલાણા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. ઘરેથી શાળાએ જવાનું કહીને નિકળ્યા બાદ વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દેતાં પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
પાટણ જિલ્લાના હારીજ નજીકની કુરેજા કેનાલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. વિગતો મુજબ કુરેજાથી માલસુંદ ગામ તરફ જતી નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી દીધું છે. પ્રાથમિક માહિતી મુજબ પીપલાણા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા ચંદ્રેશ પરમાર નામના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર કેનાલમાં કૂદી જીવન ટૂંકાવી લીધું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ચંદ્રેશ પરમારે ઘરેથી શાળાએ જવાનું કહીને નિકળ્યા બાદ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાની જાણ થતાં તરવૈયાઓની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદમાં સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.