મોટોનિર્ણય@ગુજરાત: હાઇકોર્ટની વેબસાઇટ પર હવે સુપ્રીમકોર્ટના ચુકાદા ગુજરાતીમાં જોઈ શકાશે

 
Gujarat High Court

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત હાઇકોર્ટની સત્તાવાર વેબસાઇટ પરથી હવે સુપ્રીમકોર્ટના અગત્યના ચુકાદાઓ અને હુકમો ગુજરાતી ભાષામાં મેળવી શકાશે. વિગતઓ મુજબ ગુજરાત હાઇકોર્ટની આ નવતર અને ઐતિહાસિક પહેલના કારણે વકીલો-પક્ષકારો સહિત સામાન્ય જનતાને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ગુજરાતી ભાષામાં મેળવવા, તેને સમજવા અને ઉપયોગમાં લેવામાં બહુ મોટી રાહત થશે.

સુપ્રીમકોર્ટની AI આસીસ્ટેડ લીગલ ટ્રાન્સલેશન એડવાઇઝરી કમીટીના માર્ગદર્શન અને ગુજરાત હાઇકોર્ટના એકટીંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇ અને હાઇકોર્ટની આઇટી કમીટી અને એઆઇ આસીસ્ટેડ ટ્રાન્સલેશન મોનીટરીંગ કમીટીના નિર્દેશો અને મંજૂરીને પગલે હવે ગુજરાત હાઇકોર્ટની અધિકૃત વેબસાઇટ પરથી હવે સુપ્રીમકોર્ટના ચુકાદાઓ સરળ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ બનશે. આ માટે ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટમાં અલગ સેકશનનો ઉમેરો કરવામાં આવ્યો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટની વેબસાઇટના હોમ પેજ પરના આ નવા સેકશન હેઠળ ગુજરાત હાઇકોર્ટના ટ્રાન્સલેશન સેલ દ્વારા સુપ્રીમકોર્ટના ચુકાદાઓ અને હુકમો ગુજરાતી ભાષામા સીધા જ અપલોડ કરવામાં આવશે. આ ચુકાદાઓ હાઇકોર્ટના આઇટી સેલના ડેવલપ કરાયેલા સોફ્ટવેર મીકેનીઝમ મારફતે અપલોડ થશે. 

Jaherat
જાહેરાત

જોકે નોંધનીય છે કે, સુપ્રીમકોર્ટના ચુકાદાઓ-હુકમો અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ બનશે. હાલના તબક્કે સુપ્રીમકોર્ટના છ ચુકાદાઓ ગુજરાતી ભાષામાં અપલોડ કરી આ નવતર પધ્ધતિની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ તબક્કાવાર સુપ્રીમકોર્ટના વધુ ચુકાદાઓ જાહેરજનતા અને વકીલો-પક્ષકારો સહિત તમામ લોકોને પ્રાપ્ય બને તેવા ઉમદા આશય સાથે સરળ ગુજરાતી ભાષામાં અપલોડ કરવામાં આવશે.