સંભાવના@સુરત: કાપડ ઉદ્યોગને લઈ મોટા સમાચાર, કર્ણાટક ચૂંટણીનો સીધો ફાયદો થઈ શકે

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

કર્ણાટક ચૂંટણીને લઈ સુરત કાપડ ઉદ્યોગને મોટો ફાયદો થઈ શકે છે. વિગતો મુજબ મંદીમાંથી પસાર થઈ રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગને હવે અન્ય રાજ્યોમાં યોજનારી ચૂંટણીઓમાંથી ઓક્સિજન મળે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે હાલ કર્ણાટકમાં ચૂંટણી યોજાઇ છે ત્યારે સુરતમાંથી પોલિએસ્ટર કાપડ અને તેની પ્રિન્ટિંગ સસ્તું હોવાના કારણે મોટાભાગના રાજકીય પક્ષો પોતાના ચૂંટણીલક્ષી મટિરીયલ જેવા કે ઝંડા, ટોપી અને ખેસ સહિતનું પ્રિન્ટિંગ સુરતમાંથી જ કરાવે છે. અંદાજિત 50 કરોડ રૂપિયાના ઓર્ડર સુરતના કાપડ વેપારીઓને મળ્યા હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં પણ ત્રણ રાજ્યોની ચૂંટણી છે ત્યારે 200 કરોડ રૂપિયાના ઓર્ડર કાપડ વેપારીને મળે તેવી આશંકા છે.

મંદીમાંથી પસાર થઇ રહેલા સુરતના કાપડ ઉદ્યોગને ચૂંટણીથી ઓક્સિજન મળવાની આશા છે. હાલ કર્ણાટકની ચૂંટણી માટે સુરતના વેપારીઓને 50 કરોડ રૂપિયાના કાપડના ઓર્ડર મળ્યા છે. જ્યારે આવનારા દિવસોમાં અન્ય ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની હોવાથી 200 કરોડ રૂપિયાનો વેપાર ત્યાંથી મળે તેવી સંભાવના કાપડ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. 

આ તરફ કાપડ ઉદ્યોગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ દેશના તમામ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન પ્રચાર-પસાર માટે પાર્ટીઓના ઝંડા, ખેસ, ટોપી સહિતની સામગ્રીઓ પાર્ટીઓ દ્વારા બનાવડાવી કાર્યકર્તાઓ અને મતદાતાઓ સુધી પહોંચાડવામાં આવે છે. દેશની તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર માટે આ રસ્તો અપનાવે છે.