બનાવ@સુરત: શ્વાને બચકાં ભરતાં પીઠી ચોળેલી હાલતમાં વરરાજા લગ્ન પહેલા પહોંચ્યાં સિવિલ

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે એક યુવક પીઠી ચોળેલી હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી લેવા પહોંચ્યો હતો. આજે તેના લગ્ન છે. જોકે છ દિવસ પહેલાં અમરોલી કોસાડ આવાસોમાં કૂતરો કરડ્યો હોવાથી આજે ડોઝ પ્રમાણે રસી લેવા આવ્યો હતો. આ સાથે જ આજે એક 50 વર્ષીય આધેડને શ્વાને બચકાં ભરતાં હોસ્પિટલ ખસેડાયા હતા.

 

સુરતમાં રખડતાં શ્વાનોનો આતંક યથાવત્ છે. સુરતમાં એક વરરાજાને પણ કૂતરો કરડ્યો હતો. પીઠી લગાવેલી હાલતમાં વરરાજા સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. વરરાજાને 6 દિવસ પહેલાં પગના ભાગે કૂતરો કરડ્યો હતો. વરરાજા સૂફિયાન પટેલે જણાવ્યું હતું કે અમરોલી કોસાડ આવાસ પાસે છ દિવસ પહેલાં ઘરની બહાર ઊભા હતા ત્યારે બે કૂતરાએ પગ પર બચકાં ભર્યા હતા, જેથી સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા, જ્યાં પાંચ ઇન્જેક્શનનો ડોઝ લેવાનું ચાલી રહ્યું છે. જ્યારે મને બે શ્વાને બચકાં ભર્યાં હતાં. ત્યાર બાદ વધુ બે લોકોને પણ શ્વાને બચકાં ભર્યાં હતાં.

 

યુવકે જણાવ્યું હતું કે, અમરોલી કોસાડ આવાસમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. આજે મારા મેરેજ છે એ પહેલા હડકવાવિરોધી રસીનું ઇન્જેક્શન લેવા આવ્યો હતો. પીઠી ચોળેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં આવતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.