ચોટીલા કોર્ટમાં દીપડાનું બચ્ચુ કોર્ટ રૂમમાં ઘુસી આવતા હાજર વકીલો અને અસીલોમાં અફરા-તફરી મચી
ચોટીલા કોર્ટમાં દીપડાનું બચ્ચુ કોર્ટ રૂમમાં ઘુસી આવતા હાજર વકીલો અને અસીલોમાં અફરા-તફરી મચી

 

ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક વધ્યો છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા કોર્ટમાં સુનાવણી દરમિયાન દીપડો આવી ચડ્યો હતો. જેથી કોર્ટમાં હાજર વકીલ અને અસીલોમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા વનવિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલી કોર્ટમાં કાનૂની કાર્યવાહી ચાલતી હતી. દરમિયાન દીપડાનું બચ્ચુ કોર્ટ રૂમમાં ઘુસી આવતા કર્ટ રૂમમાં હાજર વકીલો અને અસીલોમાં અફરા-તફરી મચી ગઈ હતી. દીપડો કોર્ટમાં ઘુસી આવતા લોકો કોર્ટમાંથી સલામત બહાર જતા રહ્યાં હતા. તેમજ કોર્ટ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો.

આ અંગેની જાણ થતા વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. વનવિભાગની ટીમે દીપડાને પાંજરે પુરવા માટે પાંજરૂ મંગાવ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢથી દીપડાને ઝડપી લેવા માટે રેસ્કયુ ટીમ બોલાવી હતી. જૂનાગઢના માંડવના જંગલમાં દીપડાના બચ્ચા ચારથી પાંચ દિપડા વસવાટ કરતા હોવાનું અનુમાન છે. જેમાંથી દિપડાનું એક બચ્ચુ ભુલુ પડીને ચોટીલા કોર્ટ રૂમમાં પહોંચી ગયુ હતું.

કોર્ટ રૂમમાં આવીને દીપડાનું બચ્ચુ સીધુ કબાટની નીચે લપાઈ ગયું હતું. દીપડાનું બચ્ચુ કોર્ટ રૂમમાં ઘુસી આવતા લોકોમાં ભય ફેલાયો હતો. બીજી તરફ વનવિભાગની ટીમે બચ્ચાને ઝડપી લેવા કવાયત આરંભી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક વધ્યો છે. તાજેતરમાં જ દાહોદમાંથી વનવિભાગની ટીમે હિંસક દીપડાને પાંજરામાં પુરયો હતો. આ દીપડાએ 20થી વધારે લોકો ઉપર હુમલો કર્યો હતો.