હત્યા@સુરેન્દ્રનગર: ચૂંટણીના મનદુ:ખમાં લોહિયાળ જંગ, યુવાનને પતાવી દીધો તો ધાંગધ્રા બંધનું એલાન

અટલ સમાચાર, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ, હત્યા, ખંડણી, અથડામણો, ફાયરિંગ, જેવા બનાવોએ જિલ્લાને જાણે યુપી-બિહાર બનાવી દીધું હોય તેવું લોકોને લાગી રહ્યું છે. તેવામાં તાજેતરમાં તાલુકાના દેવ ચરાડી ગામે બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી તેમાં એક યુવાનનો ભોગ લેવાતા ચકચાર મચી છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકના દેવચરાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અંગત અદાવતમાં બંને જૂથો આમને સામને આવી ગયા હતા અને એક જૂથે હથિયારો ધારણ કરી અને દેવચરાડીના પૂર્વ સરપંચ વાલજીભાઈના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. લાકડી, તલવાર, લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે એક ટોળું વાલજીભાઈના ઘેર ઘસી ગયું અને હુમલો કર્યો હતો. જેમાં વાલજીભાઈ, તેમના પત્ની અને ભત્રીજા જગદીશને ગંભીર ઇજાઓ થઈ હતી. આ કેસમાં વાલજીભાઈના ભત્રીજા જગદીશનું સારવાર દરમ્યાન મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો. દલિત સમાજના વાલજીભાઈના પરિવાર ઉપર થયેલા હુમલાને લઈ અને લોકોના ટોળાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જગદીશના મોતને લઈને ધાંગધ્રા તાલુકામાં પડઘા પડ્યા હતા અને ધાંગધ્રા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મોડી રાત્રે પોલીસે નાનકડા એવા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ આ ઘટનાને લઈને વાલજીભાઈના પરિવારજનોએ એક પોલીસ કોન્સ્ટેબલ અને પી.આઈ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ફરિયાદમાં ઢીલ કરી હોવાનું જણાવતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મહત્વનું છે કે, ધાંગધ્રા શહેરના આગેવાનો, રાજકીય આગેવાનો સહિતના લોકોએ પોલીસ સાથે મધ્યસ્થી કરી અને પરિવાર સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ જ્યાં સુધી પરિવારને પોલીસ રક્ષણ હથિયારનું લાઇસન્સ અને આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવા નહીં આવે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. જોકે ધાંગધ્રા પોલીસે હુમલો કરનાર દેવચરાડી ગામના જ 13 શખ્સો સામે ફરિયાદ નોંધી અને પાંચ શખ્સોનેની અટકાયત કરી લીધી હતી.