રિપોર્ટ@પાનવા: અધધધ... સરકારી જમીન ઉપર કબજાની ફરિયાદ, આ કારણે દબાણ હટાવ અતિમુશ્કેલ
Updated: Apr 18, 2025, 13:27 IST

જો સ્થાનિક વહીવટીતંત્ર ધારે તો અઠવાડિયામાં જ માપણી તપાસ આધારે દબાણ દૂર કરી શકે પરંતુ અનેક કારણોસર વિલંબ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
શંખેશ્વરથી દસાડા તરફ જતાં આવતાં પાનવા ગામમાં ખૂબ મોટાપ્રમાણમાં સરકારી અને ગૌચર જમીન આવેલી છે. ગામના ખેડૂતો પણ જમીન ધરાવતાં હોઈ ખેતીવાડી, પશુપાલન કરી ગુજરાન કરે છે પરંતુ એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદથી ચકચાર મચી જવા પામી છે. ગામનાં એક જાગૃત નાગરિકે તાલુકા મહેસુલી અને પંચાયતને રજૂઆત ફરિયાદ કરી છે કે, અનેક વિઘા જમીન ઉપર અન અધિકૃત કબજો છે ત્યારે દબાણો દૂર કરવામાં આવે. આ બાબતે જે ખાતાં નંબર અને સર્વે નંબરોને આધાર બનાવ્યા છે તેની વિગતો જોતાં પાનવા ગામમાં સરકાર હસ્તકની સરેરાશ 1000 વીઘા ઉપર જમીન છે. હવે કયા સર્વે નંબરોમાં કેટલુ અને કોનું દબાણ તે માપણી અને તપાસનો વિષય છે. અહીં સમજીએ કે, અનેક મહિનાઓથી માપણી અને તપાસને કયા કારણોસર ગ્રહણ લાગ્યું. વાંચો નીચેના ફકરામાં.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાનવા ગામના રાજરત્ન નાગવંશી નામે વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં રજૂઆત કરી રહ્યા છે. રજૂઆત મુજબ ગામની 327 ખાતા નંબર વાળી જમીનમાં સરેરાશ 40થી વધુ સર્વે નંબરો છે પરંતુ આ સર્વે નંબરોમાં માલિકી ગૌચર અને સરકારની છે. આમ છતાં ખાનગી દબાણો વર્ષોથી કબજો, ભોગવટો કરતાં હોઇ તપાસની માંગ કરી છે. જો આ 327 ખાતા નંબરના સર્વે નંબરોની જમીન માપણી થાય તો દબાણોનો મોટો રાફડો ફાટશે તેવી દલીલ થઈ રહી છે. હવે આ રજૂઆત ફરિયાદને ખૂબ સમય વીત્યો છતાં કયા કારણોસર માપણી અને તપાસ વધતી નથી તે પણ સમજીએ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાનવા ગામમાં ગૌચર અને સરકારી જમીન ઉપર સંભવત: સ્થાનિક દબાણ હોઈ શકે છે. સૌથી મોટો વિષય છે કે, સર્વે નંબરોની ખાત્રી અને માપણી છેવટે જિલ્લા જમીન મોજણી દ્રારા થાય પરંતુ તેની અરજી અને ખર્ચ મામલે કાચબા ગતિએ કામગીરી થઇ રહી છે. સરકારી જમીનમાં દબાણ હટાવ પૂર્વે માપણી કરાવવાની જવાબદારી અને ખર્ચની જોગવાઈ નક્કી હોવા છતાં અહિં સદર ફરિયાદમાં વિલંબમાં ચાલી રહ્યું છે. એક બીજું કારણ હોઈ શકે કે, જો સરકારી જમીનમાં સ્થાનિક દબાણ હોય તો રાજકીય અને સામાજિક બાબતો અસર ઉપજાવતી હોઈ શકે. આ સિવાય એક દલીલ એવી પણ છે કે, પાટડી તાલુકાના એક નહિ અનેક ગામમાં સરકારી જમીન ઉપર દબાણ વર્ષોથી ચાલ્યા આવે ત્યારે પાનવા પણ આ પૈકીના ગામોમાં છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ કે, માપણી માટેની સરકારી પ્રક્રિયા કેવો મોડ પકડી શકે છે.