ગંભીર@દાહોદ: બોગસ કચેરી કૌભાંડમાં જગ્યા આપનારા શંકાના ઘેરામાં, નેતાએ મકાન આપી ભાગીદારી કર્યાની લોકચર્ચા

 
Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં ષડયંત્રથી ભરેલા બોગસ કચેરીના કૌભાંડમાં તપાસ તેજ ગતિએ ચાલી રહી છે. જોકે બોસ કચેરી ખોલવા જેણે મકાન ભાડે આપ્યા અથવા સેટિંગ્સથી મકાન આપ્યા તેવા પણ શંકાના ઘેરામાં છે. 5 બોગસ કચેરી પૈકીની એક કચેરી સ્થાનિક નેતાના મકાનમાં હોવાની લોકચર્ચા જામી છે. જૂના કૌભાંડમાં ફરિયાદોનો સામનો કરી ચૂકેલા અને કૌભાંડોથી ઘનપતિ બનેલા નેતાનું દાહોદ શહેર ખાતે આવેલ મકાનમાં બોગસ કચેરી હોવાની બૂમરાણ મચી જવા પામી છે. વાત આટલી નથી, નેતાજી વિશે એવું પણ કહેવાય છે કે, મકાન ભાડે નામ પૂરતું આપ્યું બાકી બોગસ કચેરીના કૌભાંડમાં ભાગબટાઈ કરી હોવાની પણ ચર્ચા થતાં ખળભળાટ મચી ગયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

છોટાઉદેપુર જિલ્લામાં સામે આવેલી બોગસ સરકારી કચેરી કૌભાંડનો સૌથી મોટો ઘટસ્ફોટ દાહોદ જિલ્લામાં થયો છે. એક બે નહિ પરંતુ પાંચથી વધુ બોગસ સરકારી કચેરીઓ ખોલી કરોડોનું કૌભાંડ કરનારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ પરંતુ મોટા માથાઓ હજુ બહાર નથી આવ્યા. કેમ કે આદિજાતિની ગ્રાન્ટ ગેરકાયદેસર રીતે ખેંચી લેવા ખોલેલી બોગસ સરકારી કચેરીઓ પાછળના આકાઓ મોટા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં દાહોદ શહેરમાં સામે આવેલી બોગસ કચેરીઓમાંથી એક કચેરી જ્યાં ચાલતી હતી તે મકાન નેતાજીનુ હોવાની લોકચર્ચા જામતી જાય છે. ટૂંકા ગાળામાં એક કાર્યકરથી મોટા ગજાના નેતા બની ગયેલા નેતાએ મકાન ભાડે આપી બોગસ કચેરી ખોલવામાં મદદગારી કરી હોવાની બૂમરાણ ફેલાઇ ગઇ છે. આવી સ્થિતિમાં તપાસ અધિકારીઓ માટે તપાસની વધુ એક દિશા બની છે કે, મકાન ભાડે આપનારા પણ કરોડોના ષડયંત્રમાં સામેલ છે કે કેમ ?

સૂત્રોએ જણાવ્યું હતું કે, બોગસ કચેરીઓ ખોલવા આરોપીઓએ જે જગ્યાએ મકાન, જગ્યા, બિલ્ડીંગ ભાડે લીધી કે અન્ય કોઈ શરતે જગ્યા લીધી તેમાં જગ્યા આપનારા શંકાના દાયરામાં છે. જગ્યા આપનારાએ કેમ ખરાઇ ના કરી અથવા શું તેઓ જગ્યા આપી પડદા પાછળ કૌભાંડના ભાગીદારી બની ગયા હતા ? આ તમામ સવાલો કરોડોના કૌભાંડની જડથી સુધી પહોંચવા અગત્યના છે. આવી સ્થિતિમાં દાહોદ શહેરમાં એક સાચી સરકારી કચેરી નજીક ખુલેલી બોગસ કચેરીની જગ્યા કયા નેતાની ? આ નેતા ષડયંત્રમાં ભાગીદાર બન્યા હતા? આ તમામ સવાલો પોલીસ અધિકારીઓ માટે મહત્વના બનતાં જાય છે.