નિવેદન@ગુજરાત: સાળંગપુર વિવાદ અપડેટ, સ્વામીનારાયણ ભગવાનની હનુમાનજીએ અનેકવાર સેવા કરી: નૌતમ સ્વામી
અટલ સમાચાર, ડેસ્ક
સાળંગપુરમાં સૌથી ઊંચી હનુમાનજીની પ્રતિમાની નીચે નાના નાના ભીંતચિત્રો લગાડવામાં આવ્યા છે. જેનો વિવાદ હાલ ઘણો જ વકર્યો છે. આ નાના ભીંતચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. જે અંગે સોશિયલ મીડિયામાં હનુમાનજીનું અપમાન થયુ હોવાની પોસ્ટ ફરતી થઇ છે. આ અંગે અનેક સાધુ સંતોએ પણ કડક શબ્દોમાં વિરોધ નોંધાયો છે.
આ વિવાદ અંગે ખંભાતમાં સત્સંગ મહાસંમેલનમાં વડતાલના સંત નૌતમ સ્વામીએ નિવેદન આપ્યું છે. વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામા આવ્યા છે. ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, સ્વામીનારાયણ ભગવાનના તેમનાં કુળદેવ હનુમાનજી મહારાજ છે આ સિવાય જણાવતા કહ્યુ હતું કે, ભગવાનનાં જેટલા પણ અવતારો થયા ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, સ્વામીનારાયણ ભગવાનની પણ શ્રીહનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ તેનાથી ભરેલો છે. કોઇને વ્યક્તિગત નાના મોટા પ્રશ્નો હોય તો તે યોગ્ય ફોરમ પર જાય. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. ત્યાં યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને સંપ્રદાયના કોઇને વ્યક્તિએ જરૂર નથી.
સ્વામીનારાયણ સંપ્રદાયનો ક્યારેય કોઈ ભગવાનને કે ભગવાનના અવતારોનું અપમાન કરવાનો કોઈનો પણ હેતુ હોતો નથી અને હોઈ પણ ના શકે. સંપ્રદાયના હજારો મંદિરોમાં હનુમાનજી અને વિઘ્ન વિનાયક દેવની પૂજા થઇ રહી છે. સ્વામીનારાયણ પોતે ભગવાન છે, તે વાતને કાઢવાનો પ્રયત્ન કરતું હોય તો એ વાત જરા પણ ગ્રાહ્ય નથી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, ગુજરાતની ભૂમી એ સ્વામીનારાયણ ભગવાનની ઋણી છે. સ્વામીનારાયણ ભગવાન મંદિરોમાં જે રીતના સદાવ્રતો ચાલી રહ્યા છે, સત્સંગી જીવન અને શિક્ષાપત્રી તે લેન્ડમાર્ક છે તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયે ગુજરાતને ઘણુ બધુ આપ્યુ છે.
નોંધનીય છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટ ઊંચાઈની હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની નીચે અનેક ચિત્રો કંડારવામાં આવ્યા છે. આ પ્રતિમાઓમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યા હોવાનું તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં હોય તેવું પણ દેખાય છે. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.