કવાયત@સુરત: કોરોનાના નવા વેરિએન્ટને પગલે તંત્ર એલર્ટ, આરોગ્ય વિભાગે જાહેર કરી સૂચનાઓ
અટલ સમાચાર, ડેસ્ક
કોરોનાના નવા વેરિએન્ટને પગલે સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ સજ્જ થઈ ગઈ છે. જરૂરી સાવચેતીના પગલાં લેવાના શરુ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે, આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને રાજ્યોએ શ્વસનની સ્વચ્છતા સાથે રોગના ઠેલાવાના જોખમને ઘટાડવાની જરૂર છે. આ માટે જરૂરી જાહેર આરોગ્યના પગલાં અને અન્ય વ્યવસ્થા કરવા સલાહ આપી હતી.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ તકેદારીના પગલાં લઈ રહી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિવિલ, સ્મીમેર અને પીએસએ પ્લાન્ટ પર મોકડ્રિલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખાંસી, શરદી અને તાવના દર્દી પર મોનિટરીગ અને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. જરૂર જણાય તો જીનોમ સિકવસિંગ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. ઓક્સિજન સપ્લાય કરનારનું પણ રીવ્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા 193 હોસ્પિટલમાંથી માહિતી રોજેરોજ લેવામાં આવી રહી છે.