કવાયત@વિસનગર: ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરીને લઈ તંત્ર એલર્ટ, હવે વરસાદી પાણી નહીં ભરાય

 
Visnagar

અટલ સમાચાર, ડેસ્ક

વિસનગરમાં ચોમાસા પૂર્વે હવે તંત્ર દ્વારા પાણી ભરાઈ રહેવાની સમસ્યાને પહોંચી વળવા કવાયત શરૂ કરી છે. વિગતો મુજબ ચોમાસા દરમિયાન ભારે વરસાદ વરસે તો APMC આગળ તેમજ APMCમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. જેના કારણે આ વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી પાણી ભરાતા પાકને પણ નુકસાન થતું હતું. જેથી રજૂઆતો બાદ આ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. 

વિસનગરનાં દગાલા વિસ્તારથી કાંસા ચોકડી સુધી નવી વરસાદી પાણીની પાઇપલાઈનનું કામકાજ હાથ ધરતા હવે એપીએમસીમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા દૂર થશે. વિસનગરમાં ચોમાસા દરમિયાન APMC આગળ ભરાતા પાણીની સમસ્યા હવે દૂર થશે. જેમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીની સમસ્યા દૂર કરવા માટે વરસાદી પાણીના નિકાલ માટેની નવીન પાઈપલાઈનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, દગાલા વિસ્તારના વિષ્ણુ ટિમ્બર માર્ટથી લઈને કાંસા ચોકડી સુધી પાઈપલાઈન નાખવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. જે આશરે 650 મીટર જેટલી કેનાલ બનાવવામાં આવશે. જેમાં કેનાલ આશરે 1540 એમ.એમ.બાય 1800 એમ.એમ.બાય ની બની રહી છે. વરસાદી પાણીની કેનાલનું કામકાજ શરૂ થતાં વિસનગર નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, યુવા મોરચાના શહેર પ્રમુખ મોતીભાઈ પુરોહિત સહિત વેપારીઓએ કેનાલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.