ચકચાર@ડેડિયાપાડા: તલાટીની હિંમત તો જુઓ, સરપંચ પાસે માંગી લાંચ, આખરે 15 હજાર લેતાં ઝબ્બે

 
ACB

અટલ સમાચાર ડોટ કોમ, નર્મદા (રાજપીપળા)

નર્મદા જિલ્લામાં લાંચની એક ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એસીબીએ આરોપીને પકડી પ્રેસ નોટ જાહેર કરી. જેમાં બહાર આવ્યું કે, આરોપી એવા તલાટીએ કોઈ નાગરિક કે ઠેકેદાર પાસે નહિ બલ્કે ખુદ સરપંચ પાસે લાંચ માંગી હતી. નાણાંપચની ગ્રાન્ટમાંથી રસ્તાનું કામ મંજૂર થયા બાદ તલાટીએ નફ્ફટાઈ પૂર્વક ગ્રામ પંચાયતના હાલના સરપંચ પાસે ટકાવારી માંગી હતી. જોકે સરપંચ પણ જાગૃત હોવાથી તાત્કાલિક અસરથી એસીબીને ફરિયાદ કરી તો છટકામાં લાંચિયો તલાટી રંગેહાથ ઝડપાઇ ગયો છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ.....

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ઝાંક ગામમાં સરપંચ અને તલાટી સેવા આપી રહ્યા છે. આ દરમ્યાન 15 માં નાણાંપંચમાંથી RCC રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સરેરાશ 3,62,000 ના ખર્ચે મંજુર થયેલ રસ્તાના કામો સરપંચે પારદર્શક ફરજ તરીકે હાથ ધર્યાં હતા. ઝાંક ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટીનો ચાર્જ રીતેષ ગેમરભાઈ દેસાઈ (ઉ.વ.27) પાસે છે અને આ રિતેષ દેસાઇ મંડાળા ગ્રામ પંચાયતમાં રેગ્યુલર તલાટી કમ મંત્રી છે. ઝાંક ગ્રામ પંચાયતમાં ચાલતાં રસ્તા સહિતના વિકાસના કામમાં ચાર્જ વાળા તલાટી રિતેષ દેસાઇએ ટકાવારીની માંગણી કરી હતી. તલાટી રિતેષ દેસાઇએ ટકાવારીની માંગણી બીજા કોઈ પાસે નહિ પરંતુ ખુદ સરપંચ પાસે માંગી હતી. જોકે સરપંચ લાંચની રકમ આપવા માંગતા ના હોઇ રાજપીપળા એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેથી રાજપીપળા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવાની ટીમે ફરીયાદી એવા સરપંચની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતુ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, છટકા દરમ્યાન તલાટી રિતેષ દેસાઇએ પંચની હાજરીમાં ફરીયાદી એવા સરપંચ સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.15,000/- લાંચની માંગણી કરી હતી. આ દરમ્યાન એસીબી ત્રાટકીને આરોપી તલાટી લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ સ્થળ ઉપરથી પકડાઇ ગયો હતો. તલાટી રિતેષ દેસાઇ જે ભાડાના મકાનમાં રહેતો હતો ત્યાં જ લાંચ લેતાં પકડાઇ ગયો ત્યારે આસપાસમાં બધાને ખબર પડતાં ચકચાર મચી જવા પામી હતી. આ સફળ ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી તરીકે ડી.ડી.વસાવા (પો.ઇન્સ) નર્મદા એ.સી.બી. પો.સ્ટે.રાજપીપલા અને સુપરવીઝન અધિકારી તરીકે પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક,  એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા રહ્યા હતા.