ગંભીર@તાપી: પ્રાથમિક શિક્ષણાધિકારી ટેન્ડરમાં ભ્રષ્ટાચારી કે અભણ? એક જ સમયના 2 ટેન્ડરની મોડસ ઓપરેન્ડી જાણો

 
File image
તાપી જિલ્લા વિકાસ અધિકારી જો આ ભ્રષ્ટાચારમાં સામેલ ના હોય તો તાત્કાલિક અસરથી તપાસ કેમ નથી કરતાં?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ગત સપ્ટેમ્બર મહિનામાં થયેલ 2 ટેન્ડરમાં બેદરકારી રાખવામાં આવી કે ઈરાદાપૂર્વકનો ભ્રષ્ટાચાર તેનો ચોંકાવનારો રીપોર્ટ સામે આવ્યો છે. સરેરાશ 7 લાખ પ્રશ્નપત્રો છાપવા કરેલ ટેન્ડર 63 લાખથી વધુનો વર્ક ઓર્ડર થાય છે ત્યારે તે જ સમયે સરેરાશ 9 લાખ જવાબવહી છાપવાનો વર્ક ઓર્ડર 15 લાખમાં થાય છે. હવે ભ્રષ્ટાચારના મૂળિયાં બંને ટેન્ડરમાં કેવીરીતે થયા અને કેવી હવે મોડસ ઓપરેન્ડી તે જાણી ચોંકી જશો. જવાબવહી એટલે કે આન્સર બુક છાપવાના ટેન્ડરમાં ડોક્યુમેન્ટ ચકાસણી દરમ્યાન એક જ એજન્સી રહે છતાં વર્ક ઓર્ડર આપી દીધો ત્યારે ફાયનાન્સિયલ બીડ કેવીરીતે થયું તે સૌથી મોટો સવાલ છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા બંને ટેન્ડર મૂળ કાગળો પ્રિન્ટ કરવાના છતાં કાગળોની સંખ્યા જોતાં આસમાન જમીનનો ફરક છે તેનો ઘટસ્ફોટ જાણીએ.

તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કોના આશીર્વાદથી અથવા કોના ગર્ભિત ઈશારાથી સરકારને નાણાંકીય હિતને દરકિનાર કરવામાં સફળ થયા તે હવે આ રીપોર્ટ વાંચી સમજી જશો. સૌથી મોટો સવાલ તો એ થાય કે, ટેન્ડરમા સેટિંગ્સ કેમ કર્યું? 2 ટેન્ડરમાં ભ્રષ્ટાચારની મોડસ ઓપરેન્ડી એક પણ વેપારીને સાચવવા જતાં સરકારનું હિત ઉલાળી દીધું છે. ગઈકાલના અહેવાલમાં જાણ્યું કે, સરેરાશ 7 લાખ પ્રશ્નપત્રો છાપવા 63 લાખથી વધુનો ખર્ચ મંજૂર કર્યો ત્યારે તેજ સમયે સરેરાશ 9 લાખ ઉત્તરવહી એટલે કે આન્સરબુક છાપવા સરેરાશ 15 લાખ ખર્ચ કર્યા છે. હવે આ ઉત્તરવહીના ટેન્ડરમા જ્યારે ટેકનિકલ ચકાસણી થઈ ત્યારે ચારમાંથી 3 એજન્સીના ડોક્યુમેન્ટ અમાન્ય થયા હતા. આથી એક જ એજન્સી ફાઈનાન્સિયલ બીડમાં રહી છતાં આગળની પ્રક્રિયા કેવીરીતે કરી તે સૌથી મોટો સવાલ છે. ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડરના નિયમો મુજબ 3 એજન્સીઓ હોય ત્યારે ભાવોની હરિફાઈ થાય પરંતુ તાપી ડીપીઇઓએ તો એક જ એજન્સીને આર.એ દરમ્યાન વર્ક ઓર્ડર આપી દીધો હતો. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના બંને ટેન્ડર એક જ સમયગાળામાં થયા ત્યારે છપાવવાના કાગળોની સંખ્યા અને વર્ક ઓર્ડરની રકમ વચ્ચે આસમાન જમીનનો ફરક કેમ થયો તે ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુરાવો છે. 9 લાખ જવાબવહી છપાવવા 15 લાખનો ખર્ચ તો 7 લાખ પ્રશ્નપત્રો છપાવવા 63લાખનો ખર્ચ કેવીરીતે થાય ? આટલુ જ નહિ, જાણકારોના મતે, પૂર્વ આયોજિત રીતે વેપારી એજન્સીને સાચવવા તેમજ એજન્સીઓ વચ્ચે પૂર્વ આયોજિત કાર્ટેલને કારણે શિક્ષણ વિભાગને સરેરાશ 40 લાખથી વધુનું નુકસાન થયું છે. જો તાપી ડીપીઇઓ નર્મદા, છોટાઉદેપુર કે ગીર સોમનાથ જિલ્લા માફક સંપૂર્ણ પારદર્શક અને મિલીભગત વગર ટેન્ડર કરી શક્યા હોત તો રાજ્ય સરકારને ખૂબ મોટી રકમ બચી શકતી હતી. આ બાબતે શરૂઆતમાં તાપી કલેક્ટરે તપાસની તૈયારી બતાવી પરંતુ મામલો આઇએએસ સંબંધો વચ્ચે આવતો હોઈ તાપીમાંથી કાર્યવાહી મુશ્કેલ બની શકે છે. આથી હવે વિજીલન્સને રજૂઆત પહોંચશે ત્યારે પારદર્શક તપાસ/કાર્યવાહી સંભવ બની શકે છે.