ખળભળાટ@તાપી: સરકારી કામના ઠેકેદારને ડરાવી 2 મોટા પત્રકારે 1.50 લાખ પડાવ્યા, એકનો અતિ ગુનાહિત ઇતિહાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આદી આદર્શ ગ્રામ વિકાસ યોજના હેઠળ સિંચાઇના કામો મંજૂર થયા હતા. અલગ-અલગ ગામોમાં બોરીંગ, પાણીના ટાંકા અને નળો મુકવાની કામગીરી ટેન્ડર મારફતે નવસારી જિલ્લાના ઠેકેદારને આવી હતી. આ કામગીરીની જાણ દરમ્યાન વર્ષોથી ધાક જમાવી બેઠેલા 2 પત્રકારોને ધ્યાને આવતાં કોન્ટ્રાક્ટ એજન્સીના માણસોને સવાલ જવાબ કર્યા હતા. આથી ડરી ગયેલા ઠેકેદારોએ વિનંતી કરતાં સ્થાનિક બે પત્રકારોએ એક બીજાના મેળાપીપણામાં રૂ. 5 લાખની માંગણી કરી હતી. જેમાં સૌથી પહેલાં રૂ.1.50 લાખ પડાવી લીધા અને બાકીના 3.50 બાકી નિકળતાં હોવાનું કહી લખવાનું ચાલુ રાખ્યું હતુ. આથી ઠેકેદાર નિલેશ ગામીતે વ્યારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં ગુનો દાખલ થયો છે. બે પૈકી એક પત્રકાર તો મૂળ ગુજરાત બહારનુ વતન ધરાવતો અને તાપી જિલ્લા ભાજપા મિડિયા સેલ કન્વીનર છે. જાણીએ સમગ્ર અહેવાલ.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસ ગામે રહેતા કોન્ટ્રાક્ટર નિલેશ ગામીતે વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી છે કે, પોતાની યસ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી મારફતે વર્ષ 2021-22 દરમ્યાન તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી આદી આદર્શ ગ્રામ વિકાસ યોજના હેઠળ અલગ-અલગ ગામોમાં બોરીંગ કામ, તેની ટાંકી મુકવા અને પાણીના નળો ઉભા કરવા સહિતની કામગીરી કોન્ટ્રાક્ટ મુજબ લીધી હતી. જેમાં ડોલવણ અને વ્યારા તાલુકાના ગામોમાં કુલ - 126 કામો મળ્યા હતા. આ કામો પૂર્ણ કરી પેમેન્ટ માટે બીલો જિલ્લા પંચાયતમાં મૂક્યા દરમ્યાન બે પત્રકાર શિવનરેશ ભદોરીયા રહે.રોયલ સ્કવેર એપાર્ટમેન્ટ, સ્ટેશન રોડ, 1 વ્યારા અને જયેશ ગામીત (રહે. અરૂણાચલ સોસાયટી, વ્યારાનાઓએ સમાચાર પેપરમાં વિવિધ અહેવાલો છાપવા લાગ્યા હતા. આ અહેવાલો વાંચી જાણીને વિવિધ કોન્ટ્રાક્ટરો હરીશ સરધારા, મયંક પટેલ અને સિદ્ધાર્થ મેરાઈ સહિતનાને આ બંને પત્રકારોએ રૂબરૂ મળવા કહ્યું હતુ. વાંચો નીચેના ફકરામાં પછી શું થયું.
પત્રકારો અને ઠેકેદારો વચ્ચે રૂબરૂ મુલાકાત ગત વર્ષ 2824માં તા.21 થી 23 ઓક્ટોબર દરમ્યાન રાત્રિ 8 વાગ્યાના અરસામાં નવા બસ સ્ટેન્ડ પાસે થઈ હતી. અહિં ઠેકેદારો સૌપ્રથમ ભાજપા જિલ્લા મિડિયા સેલ કન્વીનર અને પત્રકાર હોવાનું જણાવતાં શિવનરેશ ભદોરીયાને મળ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું છે તે મુજબ વાતચીત દરમ્યાન ભદોરીયાએ સિંચાઇના કામો બાબતે વિવિધ સમાચારોમાં ન્યૂઝ નહિ કરવા બાબતે 7 કરોડની ગ્રાન્ટમાંથી અધધધધ... 2ટકા લેખે રૂપિયાની માંગણી કરી હતી. જેથી કોન્ટ્રાક્ટરોએ આટલા રૂપિયા અમારાથી નહીં અપાય તેમ જણાવતાં આ ભદોરીયાએ તેના મેળાપીપણાવાળા પત્રકાર ગામીતને મળો તેઓ માનતાં નથી તેમ જણાવી વધારે ડરાવવા પ્રયત્ન કર્યો હતો. વાંચો નીચેના ફકરામાં કેવીરીતે શું થયું.
આથી બધા બે ગાડીમાં બેસી પત્રકાર જયેશ ગામીતને મળવા વોટર પ્લાન્ટની પાછળની સોસાયટી પાસે ગયા હતા. હવે અહિં ફરીથી બન્ને પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ટકાવારી પ્રમાણે રૂપિયાની માંગણી ઠેકેદાર સમક્ષ મૂકાઇ પરંતુ રક્ઝકના અંતે છેલ્લે રૂ. 5 લાખ તો આપવા જ પડશે, નહીં તો કોન્ટ્રાક્ટર તો ઠીક સરકારી કર્મચારીઓના નામો પણ પેપરમાં ચઢશે તેવી ચિમકી આપી હતી. આ દરમ્યાન તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટરોએ ભેગા મળીને તુરંત રોકડા રૂ.1.50 લાખ શિવનરેશ ભદોરીયાને આપી બાકીના રૂ.3.50 લાખ બીલો મંજુર થાય પછી આપવાની વાત કરી રવાના થયા હતા. આ તમામ ઘટનાક્રમ ઠેકેદાર નિલેશ ગામીતે તેમના મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધો હતો. આ પછી થોડો સમય વીતી જતાં બાકી રહેલી રકમ આપવામાં મોડું થતા બંને પત્રકારોએ યોજનાના કામો અંગે વિવિધ અહેવાલ છાપવાનું ચાલુ કરતાં ફરી ફોનમાં કોન્ટ્રાક્ટર સિદ્ધાર્થ મેરાઈ અને મયંક પટેલ સમક્ષ પૈસાની માંગણી થઇ હતી.
હવે સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ચાલુ વર્ષે ફરીથી બીજા બોરીંગ કામોનો કોન્ટ્રાક્ટ ઠેકેદારને મળતાં આ બંને પત્રકારોને જાણે તક આવી હોય તેમ ફરી એકવાર છાપવાનું ચાલુ કર્યું હતું. આથી થાકી ગયેલા ઠેકેદાર નિલેશ ગામીતે આખરે તાપી જિલ્લાના પોતાને પત્રકાર ગણાવતાં શિવનરેશ ભદોરીયા અને જયેશ ગામીત વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનાહિત કાવતરું રચી બળજબરીપૂર્વક રૂ.1.50 લાખ કઢાવી લેવા બાબતની ફરિયાદ આપતાં વ્યારા પોલીસે બી.એન.એસની કલમ 308(2), 61(2) અ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી ફરિયાદ હાથ ધરી છે. આ ઘટના બાબતે તાપી જિલ્લાની પોલીસે ભદોરીયા વિરુદ્ધ અનેક સનસનીખેજ વિગતો રજૂ કરતાં જિલ્લા જાગૃત આલમમાં પણ ચોંકાવનારી પરિસ્થિતિ બની છે.
ભદોરીયાનો ગુનાહિત ઇતિહાસ પોલીસે રજૂ કર્યો
ગુનો દાખલ થયા બાદ તાપી જિલ્લા પોલીસે જણાવ્યું કે, શિવનરેશ ભદોરીયા પોતાને પત્રકાર ગણાવી પત્રકારનો ઢોંગ રચે છે. આ ભદોરીયા વિરુદ્ધ અત્યાર સુધીમાં અનેક ફરીયાદો નોંધાઈ ચૂકી છે અને વિવિધ તબ્બકે ચાલી રહી છે ત્યારે જો કોઈ નાગરિક ભદોરીયાનો શિકાર બન્યા હોય તો આગળ આવીને રજૂઆત કરવા પણ તાપી જિલ્લાની બાહોશ પોલીસે જાહેર જનતાને જણાવ્યું છે.
તાત્કાલિક શરૂ થઈ નિયમોનુસારની કાર્યવાહી
તાપી જિલ્લામાં આ સનસનીખેજ અને ચકચારી ફરિયાદ બાદ ભાજપા ટીમને ધ્યાને આવતાં તાત્કાલિક અસરથી નોંધ લઈને યોગ્ય તે કાર્યવાહી હાથ ધરવાની દોડધામ કરી છે. આ તરફ જયેશ ગામીત સામે પણ મોટા ગજાના અખબાર દ્વારા તાત્કાલિક અસરથી નિયમાનુસારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.