ખળભળાટ@તાપી: પ્રાથમિક શિક્ષણનું પ્રિન્ટિંગમાં મહાકૌભાંડ, પૂર્વ આયોજિત સેટિંગ્સનો ઘટસ્ફોટ

 
Image

નર્મદા, વલસાડ, રાજકોટ, સાબરકાંઠા જિલ્લામાં પ્રશ્નપત્રો વધારે છપાવવાના ઓર્ડર છતાં અત્યંત નીચા ભાવે ખરીદી થઈ, તાપી જિલ્લાએ શું ચાંદી લેવલના કાગળો છપાવવા ઓર્ડર આપ્યો??

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 
તાપી જિલ્લામાં ભ્રષ્ટાચાર હટાવોની જાગૃત નાગરિકો, એસીબી અને રાજ્ય સરકારની તાકાત અને મહેનત વચ્ચે પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા સુનિયોજિત રીતે કાગળોના પ્રિન્ટિંગમાં મહાકૌભાંડ આચરી દેવામાં આવ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી જેવા જ પ્રશ્નપત્રો પ્રિન્ટ કરી કાગળોની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા થઈ પરંતુ તાપી ડીપીઇઓ કચેરીએ કૌભાંડની મર્યાદા મૂકી છે. જેટલી સંખ્યા તાપી ડીપીઈઓ કચેરીએ પ્રશ્નપત્રો પ્રિન્ટ કરી ખરીદવા ટેન્ડર કર્યું તેનાથી ડબલ સંખ્યામાં અન્ય જિલ્લાઓએ ખરીદી કરી છતાં અડધા કરોડથી વધારે રકમમાં કોન્ટ્રાક્ટ આપ્યો નથી. આ બાબતે તાપી ડીપીઇઓ અને ડીડીઓને વિગતે માહિતી આપી છતાં ઈરાદાપૂર્વક એક શબ્દ બોલવા તૈયાર નથી ત્યારે બાહોશ અને જાંબાઝ કલેક્ટરને ધ્યાને મૂકતાં વિગતો જોઈ તાત્કાલિક અસરથી તપાસની તૈયારી બતાવી છે. જાણીએ સમગ્ર અહેવાલ.
તાપી જિલ્લા પંચાયતના ડીડીઓના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા શિક્ષણ સમિતિના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રશ્નપત્રો છપાવવા માટે ઓનલાઈન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. આ ટેન્ડરમાં કલ્પ્ના ના કરી શકો તેવું ખળભળાટ મચાવતુ પૂર્વ આયોજિત કૌભાંડ જ નહિ પરંતુ સરકારના અને જનતાના નાણાં સત્તાના જોરે કાવતરું ઘડી આંચકી લેવા મહા કૌભાંડને અંજામ આપ્યો છે. હવે ખરેખર આવું ચકચારી કૌભાંડ થયું હશે અથવા કર્યું હશે તે ગણતરીની સેકન્ડમાં સમજાઇ જાય તેમ છે. હકીકતમાં તાપી ડીપીઇઓ કચેરીની જેમ અન્ય જિલ્લાઓમાં પણ તદ્દન આવા જ પ્રશ્નપત્રોની ખરીદી કરવા ઓનલાઇન ટેન્ડર થયું હતુ. હવે જિલ્લા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પ્રશ્નપત્રો ખરીદવાના થાય ત્યારે પ્રશ્નપત્રોની સંખ્યા આધારે જિલ્લા મુજબ વર્ક કોન્ટ્રાક્ટ ભાવ અલગ અલગ રહે. જોકે તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીથી ડબલ સંખ્યામાં અન્ય જિલ્લાઓએ પ્રશ્નપત્રો છપાવવા ટેન્ડર કર્યું છતાં ખૂબ જ ઓછાં ભાવે વર્ક ઓર્ડર આપ્યો છે. વાંચો નીચેના ફકરામાં શ્વેતપત્ર જેવા પુરાવાઓ પછી ચોંકી જશો.
ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર તાપી જિલ્લા ડીપીઈઓ સરેરાશ સાડા પાંચ લાખ પ્રશ્નપત્રો અને બીજી કેટલીક નજીવા રકમની વસ્તુઓ ખરીદવા ટેન્ડર કર્યું હતુ. ત્યારે સાડા પાંચ લાખ પ્રશ્નપત્રો છપાવવા કરેલ ફાયનાન્સિલ બીડને અંતે રૂપિયા 63,44,166 નો વર્ક ઓર્ડર આપ્યો છે. જ્યારે ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં પણ તદ્દન આવા જ પ્રશ્નપત્રોની ખરીદી થઈ છતાં 20થી 32 લાખ સુધીમાં વર્ક ઓર્ડર આપ્યો છે. તાપી જિલ્લા ડીપીઈઓએ સરેરાશ 5.46 લાખ પ્રશ્નપત્રો માટે રૂપિયા 63.44 લાખ ચૂકવવા વર્ક ઓર્ડર આપ્યો જ્યારે નર્મદા જિલ્લાએ સરેરાશ 12 લાખથી વધુ પ્રશ્નપત્રો માટે સરેરાશ 27થી28 લાખનો વર્ક ઓર્ડર આપ્યો, વલસાડ જિલ્લાએ 8 લાખથી વધુ પ્રશ્નપત્રો માટે સરેરાશ 15 લાખનો વર્ક ઓર્ડર આપ્યો, ગાંધીનગર જિલ્લાએ 10 લાખથી વધુ પ્રશ્નપત્રો માટે સરેરાશ 22 લાખનો વર્ક ઓર્ડર આપ્યો છે.
સમગ્ર મામલે વારંવાર તાપી જિલ્લા ડીપીઈઓનો સંપર્ક કરવા છતાં ફોન ઉપાડ્યો નથી ત્યારે વોટ્સએપ મારફતે વિગતો જોઇ છતાં કોઇ પ્રતિક્રિયા આપી નથી. આ તરફ જિલ્લા પંચાયતના વડા એવા ડીડીઓને પણ વારંવાર સંપર્ક કરતાં અને વોટ્સએપ મારફતે વિગતો મોકલવા છતાં કોઈ તપાસની વાત કરી નથી. જોકે જાંબાઝ કલેક્ટરને ટેલિફોનિક ધ્યાને મૂકતાં તાત્કાલિક અસરથી વોટ્સએપથી વિગતો મંગાવી અભ્યાસ કરીને તુરંત અરજી આપવા આગ્રહ કરી તાત્કાલિક અસરથી તપાસની તૈયારી બતાવી છે. આ તરફ તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના ટેન્ડર ક્લાર્કથી માંડીને નાયબ ચીટનીશ સુધીના વિગતો જાણ્યા બાદ એક શબ્દ બોલવા તૈયાર નથી.