રીપોર્ટ@સોનગઢ: ગણવેશ ક્ષતિ અને ખાનગી શાળાના દબાણમાં કાર્યવાહી અત્યંત વિલંબમાં કેમ, સ્પેશ્યલ ઘટસ્ફોટ
ખાનગી શાળાનું દબાણ દૂર કરવામાં શંકાસ્પદ વિલંબ કરાવ્યો?? મામલો કોર્ટમાં જતાં સ્ટે હોવાનું મામલતદારે કહ્યું
Updated: Aug 9, 2025, 10:58 IST

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સોનગઢ ખાતેની આદીજાતી વિભાગની ત્રણેક શાળાનાં વિદ્યાર્થીઓને સમયસર ગણવેશ નહિ આપ્યાની સમગ્ર પારદર્શક તપાસ પૂર્ણ થઈ છે. તપાસ અહેવાલ એટલો સજ્જડ તૈયાર કરીને પ્રાયોજના વહીવટદારે વિભાગને સુપ્રત કર્યો હતો. આ તરફ વિભાગે પોતાની જમીન ઉપરનું દબાણ હટાવવા અને સંપૂર્ણ જમીનનો કબજો લેવા મામલતદાર મારફતે પ્રક્રિયા કરી હતી. તેમાં પણ માપણી આધારે ગેરકાયદેસર દબાણ મળી આવ્યું હતું પરંતુ બંને કિસ્સામાં મજબૂત કાર્યવાહીનો હુકમ છેલ્લા ઘણા સમયથી વિલંબમાં ગયો તેની પાછળની તાકાત અને ભેદી ઈરાદાની કવાયત સમજવી પડશે. જમીનના કિસ્સામાં તો મામલતદાર જણાવે છે કે, કોર્ટનો સ્ટે આવ્યો છે. કોર્ટના હુકમ સર્વોપરી અને સર્વમાન્ય હોય પરંતુ જમીન કબ્જે કરવા કોણે ક્ષતિ રાખી તે પણ સમજવું પડશે. જાણીએ સમગ્ર અહેવાલ.
તાપી જિલ્લાના સોનગઢ ખાતેની આદર્શ નિવાસી શાળા ઉચ્છલ નિઝર અને કુકરમુંડાના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણવેશ નહિ આપી આખુ વર્ષ યુનિફોર્મ વગર રાખવાની ચકચારી ઘટના ગંભીર બની છે. કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓના હક્કના કપડાં દબાવી ના રખાય, શાળાના આચાર્ય પોતાના કબ્જે રાખી ના શકે તે મામલે સમાચાર અહેવાલ બાદ મજબૂત તપાસ થઈ હતી. પ્રામાણિક આઇએએસ એવા પ્રાયોજના વહીવટદારે તાત્કાલિક કાર્યવાહી થાય તેવો રીપોર્ટ તૈયાર કરી આદીજાતી વિભાગને નિર્ણય અર્થે મોકલી દીધો હતો પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી સામે આવી નથી. માત્ર નિર્ણય લેવાનો છતાં હાલે પણ કાગળોની પ્રક્રિયા ચાલી રહી હોઈ પંથકના આદીજાતી લોકો પણ વિદ્યાર્થીઓ માટે ન્યાય માંગી રહ્યા છે. આ તરફ સોનગઢ ખાતે આવેલી આદીજાતી વિકાસ વિભાગની છાત્રાલયની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ હોવાનો ખુલાસો પણ થયો છતાં કેટલુંક દબાણ દૂર થયું અને કેટલુંક થયું નથી. માપણી અને સુનાવણી દરમ્યાન દબાણ દૂર કરવાની પ્રક્રિયા વિલંબમાં જતાં દબાણકર્તાને સમય મળતાં મામલો કોર્ટમાં લઈ જવાયો, વાંચો નીચેના ફકરામાં.
આ મામલે સોનગઢ મામલતદાર રાણાએ જણાવ્યું કે, જેમના દબાણ દૂર થયા તેમના કિસ્સામાં કોર્ટનો સ્ટે ના હતો અને ખાનગી શાળાના દબાણમાં કોર્ટનો સ્ટે હોવાથી દબાણ દૂર કરવાની કાર્યવાહી ના થઈ. આ પછી કોર્ટમાં સરકારના હિતમાં સરકારનો પક્ષ મજબૂત હતો કે કેમ તે પૂછતાં મામલતદાર રાણા કહે છે કે, મજબૂત પક્ષ મૂક્યો જ હોય. હવે અહિં એક વાત નોંધવી પડે કે, કોર્ટનો હુકમ સર્વોપરી જ હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ સૌથી મોટો સવાલ થાય કે, વિભાગ તો વર્ષોથી પોતાની સંપૂર્ણ જમીન માંગે છે ત્યારે કોણે અને કેમ અત્યાર સુધી સંપૂર્ણપણે ગેરકાયદેસર દબાણ ના હટાવી ઈરાદાપૂર્વક કોઈને તક આપી ??