રીપોર્ટ@તાપી: આદીજાતી વિકાસના મહિલા અધિકારીના વર્તણૂક મામલે કમિશ્નરમાં રજૂઆત, ચોંકાવનારી વિગતો
સ્થાનિક આગેવાને ત્યાં સુધી રજૂઆત કરી વિદ્યાર્થીઓના સ્વમાન અને તેઓની કાળજી બાબતે પણ બેદરકાર રહે છે
અટલ સમાચાર ડોટ કોમ, વ્યારા
તાપી જિલ્લાના આદિજાતી વર્ગ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓથી વિકાસકામો ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. આ કામોની અમલવારી રાજ્ય સરકારના સંનિષ્ઠ કર્મચારી અને અધિકારી વર્ગથી થઇ રહી છે પરંતુ અચાનક અહિંના એક આદિજાતી વિકાસ વિભાગના મહિલા અધિકારી બાબતે ચોંકાવનારી રજૂઆત થઈ છે. સ્થાનિક રાજકીય આગેવાને તાપી જિલ્લાના ટ્રાયેબલ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે, મહિલા ટીડીઓ વિરુદ્ધ વર્તણૂંકની ફરિયાદ કરતાં હડકંપ મચી ગયો છે. આ મહિલા અધિકારી ફાઇલોની કામગીરીમાં મનસ્વી વર્તન અને તાબા હેઠળના કામો સંબંધિતો સાથે તોછડું વર્તન કરતાં હોવાનો આક્ષેપ થયો છે. જેનાથી આદિજાતી વર્ગ માટેની કામગીરી ઘણીવાર વિલંબમાં જઈ શકે તો સાથે સાથે ઓફિસમાં ઓછો સમય આપતાં હોવા સહિતના આક્ષેપ થયા છે. જાણીએ સમગ્ર અહેવાલ.
તાપી જિલ્લામાં જાંબાઝ અને પ્રામાણિક પ્રાયોજના વહીવટદાર અને તેમની ટીમ કાર્યરત છે. જેનાથી આદિવાસી બાહુલ્ય જિલ્લામાં વિભાગની વિવિધ કામગીરી જેવી કે, શૈક્ષણિક, યોજનાકીય અને સંલગ્ન કામો ઝડપથી થઇ રહ્યા છે. જોકે રિંકલબેન નામે એક આદિજાતી વિકાસ અધિકારીના તુંડમિજાજી સ્વભાવ વિરુદ્ધ રજૂઆત થતાં હડકંપ મચી ગયો છે. ઓફિસ સમય દરમ્યાન વિલંબે આવી વહેલા નિકળી જતાં હોવાનો આક્ષેપ છે પરંતુ ઓફિસમાં આવતાં કોઇપણને મારા પૂછ્યા વગર સ્ટાફના કોઈએ જવાબ કે પ્રત્યુતર નહિ આપતાં સુચના થઈ હોવાની અનૂભૂતિની પણ રજૂઆત કરી છે. ગણેશભાઈ નામે સ્થાનિક આગેવાને વિભાગની ગાંધીનગર સ્થિત કચેરીને કરેલી અરજી મુજબ મહિલા અધિકારીની કથિત ચર્ચાઓ એવી છે કે, મેડમ કથિતપણે જણાવે છે કે, મારે અહિંયા નોકરી કરવી નથી અને સેટિંગ્સથી બદલી કરવી નથી. આટલું જ નહિ, વિદ્યાર્થીઓને અપમાનિત કરવા અને તેઓની ખાણીપીણીની બાબતે પણ બેદરકારી જોવા મળતી હોવાની વાત રજૂઆતમાં છે.
આ બાબતે મહિલા અધિકારીના મદદનીશ કમિશ્નરને પૂછતાં જણાવે છે કે, એવી ચર્ચાઓ અમારા સુધી પહોંચી નથી પરંતુ લેખિતમાં આવશે તો વિભાગને અહેવાલ આપીશું એ મુજબ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી થાય. મદદનીશ કમિશ્નર જણાવે છે કે, કોઈપણ જગ્યાએ વિભાગની સેવા આપો તો નિયમિત અને મૃદુ ફરજો બજાવવી જ પડે, કોઈપણ સાથે તોછડી ભાષા ચાલે નહિ. આમ છતાં ઉપરથી તપાસ કે અન્ય કોઈ સુચના આવશે તો નિયમાનુસાર રીપોર્ટ તૈયાર કરી અહેવાલ નિર્ણય અર્થે મોકલી આપીશું. આ તરફ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણાં લાંબા સમયથી મહિલા અધિકારીના વર્તણૂંકનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે સ્થાનિક આગેવાને કરેલી રજૂઆત કેટલી સાર્થક બને તે આગામી સમયે ખબર પડે.

