કૌભાંડ@ડાંગ: વધઈના પૂર્વ ટીડીઓ અને એજન્સી સિવાય કેટલાએ 84 લાખની ખરીદીમાં કમાણી કરી?

 
Tapi
ભ્રષ્ટાચારી વેપારી ટોળકીનો ત્રણથી વધુ જિલ્લામાં સાહેબોની કૃપાથી ચાલતો કૌભાંડી વેપાર બંધ થશે થશે અને થશે જ 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

વધઈ તાલુકા પંચાયતના પૂર્વ ટીડીઓ પઢીયાર અને એસ.ઓ સહિતનાએ 22 સોલાર સંપસેટની ખરીદી કરી તે ટેન્ડરમાં પૂર્વ આયોજિત સેટિંગ્સની દુર્ગંધ ફેલાઈ છે. શું એક ટીડીઓ અને એન્જિનિયરે 84 લાખથી વધુની ખરીદીમાં મનમાની કરી અથવા કરાવી કે પછી પાછળ ખૂબ મોટા માથાઓ સામેલ છે ? ચોક્કસ પદ્ધતિથી કરેલ ટેન્ડરથી ઈરાદાપૂર્વકની એજન્સીને ઠેકો આપવા બીજ રોપાયા હતા કે પછી ખૂબ આગળથી સેટ કરીને એજન્સીવાળાઓએ નિશાન પાર પાડ્યું હતુ ?? આટલું મોટું ટેન્ડર શું એક જ મુલાકાતથી ચોક્કસ એજન્સીને મળી જાય ? જાણકારોના મતે, ભ્રષ્ટાચારી ટોળકીએ કામ પસંદ કરી/કરાવી અને ગ્રાન્ટ બાબતે વહીવટી અને તાંત્રિક મંજૂરી સુધીનું સેટિંગ્સ પાર પાડ્યું હતુ ત્યારે ટીડીઓ અને એન્જિનિયરને આખરે ચેનલ મુજબ કર્યું હતુ. પૂર્વ આયોજિત મહા કૌભાંડનો મહા ઘટસ્ફોટ કરતો મહા રિપોર્ટ આજે જાણીએ

ડાંગ જિલ્લાની વધઈ તાલુકા પંચાયતના તત્કાલીન ટીડીઓ પઢિયાર અને મહિલા એન્જિનિયરે સોલાર સંપસેટ ખરીદીના કામની વહીવટી મંજૂરી મેળવી લીધા બાદ ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર કર્યું હતુ. સરેરાશ 84 લાખથી વધુની આ ખરીદીમાં કૌભાંડની શરૂઆત ટેન્ડર પ્રક્રિયા પહેલાં ભ્રષ્ટાચારી ટોળકીએ કરી હોવાનું સનસનીખેજ જાણમાં આવ્યું છે. વહીવટી મંજૂરી જ્યાંથી મળી ત્યાં દોડધામ કરીને ભ્રષ્ટાચારી વેપારી ટોળકીએ વધઈ તાલુકા પંચાયતને અમલીકરણ પસંદ કરી/કરાવી ધાર્યું નિશાન પાર પાડ્યું તે અત્યંત રોચક છે. ભ્રષ્ટાચારી વેપારી ટોળકીએ ખૂબ બાહુબલી ગણાતાં માથાંઓને વિશ્વાસમાં લઈ વધઈ ટીડીઓને અમલીકરણ કરાવ્યા હતા. વાંચો નીચેના ફકરામાં કેવી રીતે રચાઇ ભ્રષ્ટાચારની મોડસ ઓપરેન્ડી?

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારી વેપારી ટોળકીએ વધઈ તાલુકા પંચાયતના તત્કાલીન ટીડીઓ પઢીયારને પણ વિશ્વાસમાં લઈ મદદનીશ ઇજનેરના નામે(બાયર) ટેન્ડર બહાર પાડ્યું હતુ. 22 સોલાર પમ્પિંગ સિસ્ટમ ખરીદવા ઓનલાઇન આવેદન લીધા પછી મદદનીશ ઇજનેર, ટીડીઓ અને લાગતાં વળગતા અધિકારીઓએ ટેકનિકલ ઈવેલ્યુએશન કર્યું પછી 3 એજન્સીઓ રહી હતી. હવે સમગ્ર ભ્રષ્ટાચાર ત્યારે બહાર આવ્યો જ્યારે સોલાર વસ્તુની ખરીદીના નિયમો નેવે મૂક્યા અને જે એજન્સી મૂળ સોલાર સાથે જોડાયેલી તે એજન્સીને પણ ટેકનિકલ ક્વોલિફાઈમા આઉટ કરી હતી. આટલુ જ નહિ, જે 3 એજન્સીઓ વચ્ચે ભાવોની હરિફાઈ થઈ તેમાં પણ એજન્સીઓમાં બનાવટ થઈ હતી. એલ3 એજન્સી ઈરાદાપૂર્વક વધુ ભાવ રૂ. 8612120 આપે છે, જ્યારે એલ2 રૂ. 8462916 અને આ બંને એજન્સી એલ1 માટે બીડ વેલ્યુથી એકદમ નજીક રૂ. 8454424 ભાવ સેટ કરી અપાવે છે. 

પ્રથમ અહેવાલ બાદ કેમ તપાસ નહિ ?

સોલાર સંપસેટ ખરીદીના મહા કૌભાંડના પ્રથમ અહેવાલ બાદ તત્કાલીન ટીડીઓ પઢીયારે વિષય જાણી ઈરાદાપૂર્વક વાત કરવાનું ટાળ્યું છે. હાલના ઇન્ચાર્જ ટીડીઓ દરજી પણ સવાલથી બચવા ધમપછાડા મારી રહ્યા છે અને મહિલા એન્જિનિયરે ભ્રષ્ટાચારમાં નિષ્પક્ષ ભૂમિકા આપી પરંતુ ખરીદીમાં નામ હોઈ સવાલોનો સામનો કરવો પડ્યો છે. આ તરફ ભ્રષ્ટાચારી વેપારી ટોળકી અહેવાલ બાદ મામલો દબાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણના ટેન્ડરમા પણ સેટિંગ્સ !

જાણકારોના મતે, ડાંગ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાએ પણ તાજેતરમાં ત્રણેક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ચોક્કસ વેપારી ઈસમે પોતાના લાભાર્થે અલગ અલગ એજન્સીઓ નામ પૂરતી રજૂ કરીને બનાવટી ભાવ ફેર કર્યો હતો. આ ટેન્ડરોમા પણ ઉપરથી બધું થતું હોવાનું ખુદ કર્મચારીની વાતના ઈશારામાં ઉભરાઇ આવ્યું છે. આ તમામ કામોમાં એક જ ઈસમ રાજકીય, વહીવટી અને અલગ અલગ મુલાકાતો કરી વર્ષોથી તાપી, ડાંગ, વલસાડ અને ભરૂચ સહિત સુરતમાં ભ્રષ્ટાચારી ભરડો સર્જ્યો છે. ટૂક સમયમાં એક પછી એક કૌભાંડની હારમાળા પણ જાણીએ.