ખળભળાટ@સોનગઢ: સરકારી શાળાની જમીનમાં ઈસમે તાણી બાંધ્યું પોતાનું સંકુલ, અધિકારીઓ જાણતાં છતાં...

 
File photo
કદાચ ગુજરાતનો આ પ્રથમ કેસ હોઈ શકે, જ્યાં આદીજાતીની શાળાની જમીનમાં ગેરકાયદેસર શિક્ષણ સંકુલ ખડકી દીધું હોય 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સોનગઢ ખાતેની આદીજાતીની શાળાની જમીનમાં સ્થાનિક ઈસમે જે પ્રમાણે દબાણ કર્યું તેનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. રેવન્યુ વિભાગે આદીજાતી વિભાગની શાળા/હોસ્ટેલ માટે આપેલી જમીન ઉપર જ ઈસમે પોતાનું શૈક્ષણિક સંકુલ તાણી બાંધ્યું છે. આ વાત અમે નહિ ખુદ અધિકારીઓ કહે છે અને જાણે છે છતાં આજસુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વિભાગના અધિકારીઓએ તાલુકાથી જિલ્લા તંત્રને લેખિતમાં જાણ કરેલી છતાં પાકુ બાંધકામ આજસુધી અકબંધ છે. આટલાથી સ્થાનિક ઈસમની દાદાગીરી/દબદબો અથવા કહેવાતી રાજકીય પહોંચનો ચિતાર મળે છે. આસીસ્ટન્ટ કમિશ્નરે જણાવ્યું કે, દબાણ તોડી પાડવા સુધીના તબક્કે પહોંચી ગયા હતા પરંતુ પછી કંઈ થયું નથી. ગાંધીનગર સ્થિત કમિશ્નર કચેરીને જાણ થતાં તાત્કાલિક અસરથી કાર્યવાહીની તૈયારી બતાવી પરંતુ સ્થાનિકો કહે છે કે, ઈસમને મોટું પીઠબળ છે. જાણીએ સમગ્ર અહેવાલ.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદીજાતી વિભાગની આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે અને અત્યારે પણ એક બાંધકામનુ કામ પ્રગતિમાં છે. જે જગ્યાએ બાંધકામ ચાલુ છે તેની આસપાસ સહિતની મોટી જગ્યા રેવન્યુ વિભાગે આપેલી છે. આ જગ્યાના કેટલાક ભાગમાં સ્થાનિક ઈસમ કે જે શિક્ષણ સાથે સંકળાયેલ તેણે પોતાનું શૈક્ષણિક સામ્રાજ્ય ખડકી દીધું છે. સરકારી જમીનમાં કોઈપણ જાતનાં કાયદાનો ડર રાખ્યા વિના ઈસમે પાકું બાંધકામ કરી દીધું એ વાત ખુદ આસીસ્ટન્ટ કમિશ્નર સહિતના જાણે છે. મદદનીશ કમિશ્નરે મામલતદાર અને કલેક્ટર કચેરીને જાણ કરી ધોરણસરની કાર્યવાહી માટે લખેલું છે. આમ છતાં આજેપણ ગેરકાયદેસર બાંધકામ અને કબજો દૂર થયો નથી એટલાથી તમે સમજી શકો કે, ઈસમનો દબદબો કેવો હશે? વાંચો નીચેના ફકરામાં ઘટસ્ફોટ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક ઈસમે પોતાનું શૈક્ષણિક સંકુલ સરકારી શાળાની જમીનમાં ખડકી દીધું એ વાત બેએક ત્રણેક વર્ષના અધિકારીઓ જાણે છે. વખતોવખતના મદદનીશ કમિશ્નરે રેવન્યુ સાથે પત્રવ્યવહાર કરી ઈસમનો ગેરકાયદેસર કબજો ભોગવટો હટાવવા પ્રયાસ કર્યો હોવાનું ખુદ જણાવે છે. અહિં એક વાત સૌથી ગંભીર છે કે, આ ઈસમ બીજો કોઈ નહિ પરંતુ શિક્ષણ સાથે સંકળાયેલ છતાં અને અધિકારીઓ પણ ગેરકાયદેસર દબાણ છે તેવું જાણતાં છતાં કોઈ કાર્યવાહી નથી. સરકારી શાળાના વિકાસના આડે આવેલો આ ઈસમ પોતાનું શૈક્ષણિક સામ્રાજ્ય વધારવા કોઈપણ હદે જઈ શકતો હોવાની લોકોમાં બૂમરાણ હોઈ મામલો અતિ ગંભીર બન્યો છે. આથી હવે સૌથી મોટા ખુલાસાઓ આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ.