વહીવટ@સાગબારા: મનરેગાના કામમાં ભ્રષ્ટાચાર શોધી ટીડીઓએ ઘડ્યો પ્લાન, કસૂરવારોને બચાવવા ગંડુ રાજા જેવો રીપોર્ટ કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સાગબારા તાલુકામાં ગત વર્ષે મનરેગા હેઠળ મોટી સંખ્યામાં લાભાર્થીઓને ફળાઉ રોપા આપી તેનું પ્લાન્ટેશન કર્યું હતુ. આ કામગીરીમાં મટીરીયલ પૂરૂં પાડતી એજન્સી દ્વારા યોગ્ય અમલ ના થયો હોવાનું હાલના ટીડીઓએ શોધ્યું છે. સદર કામની તપાસ કરતાં ધ્યાને આવ્યું કે, રોપા એસ્ટીમેન્ટ મુજબ પહોંચ્યાં નથી, રોપાની ગુણવત્તા ખરાબ હતી અને એસ્ટીમેન્ટ મુજબના રોપા નહોતા તેવું ટીડીઓ લેખિતમાં જણાવે છે. આ તપાસ બાદ જવાબદારી નક્કી કરવી અને પછી કસૂરવારો શોધવાની ટીડીઓ ઉપેન્દ્રભાઇની ટ્રીક ચોંકાવનારી છે. મનરેગાના કામમાં બેદરકારી થવા દેનાર અથવા ગેરરીતિ થવા દેનારા જવાબદારો શોધવાને બદલે ટીડીઓએ ચૂકવણું કરાવવા ફોન કરનારને દોષિત ગણી દીધા છે. આવી સ્થિતિમાં તત્કાલીન ટીડીઓ, એપીઓ, ટેકનિકલ સહિતના નિર્દોષ છૂટે તેવો રસ્તો કરી આપ્યો છે. જાણીએ આ સ્પેશિયલ રિપોર્ટમાં.
નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ગત વર્ષે ફળાઉ રોપા લાભાર્થીઓને આપી વાવેતર કરાવવા મનરેગા હેઠળ કામ લીધું હતુ. આ માટે રોપા ખરીદવા સરેરાશ સવાથી દોઢ કરોડનું ટેન્ડર બહાર પાડી શિવપ્રિયા નામની એજન્સીને કામ સોંપ્યું હતુ. આ રોપા કેવા અને કેટલી સંખ્યામાં આપવા તેની જોગવાઈ પણ હતી. હવે કોન્ટ્રાક્ટરે કામ પૂર્ણ બતાવી પેમેન્ટની માંગણી કરી ત્યારે સાગબારા તાલુકામાં કામની તપાસ થઇ. જેમાં ટીડીઓ ઉપેન્દ્રભાઇએ પોતાના તપાસ અહેવાલમાં નોંધ્યું કે, રોપા 4 ફુટને બદલે 2 ફુટના જ વિતરણ થયા છે, એસ્ટીમેન્ટ મુજબ તમામ લાભાર્થીને રોપા આપ્યા નથી, એસ્ટીમેન્ટના સ્પેશિફિકેશન મુજબ પણ રોપા નથી. એટલે કે, ગેરરીતિ/ભ્રષ્ટાચાર જણાતાં કોન્ટ્રાક્ટરને પત્રો લખ્યા પરંતુ કોઈ પ્રતિભાવ ના આવ્યો તેમ ટીડીઓ જણાવે છે. હવે કોન્ટ્રાક્ટરે જે તે વખતે કરેલી કામગીરી ઉપર દેખરેખ, સ્થળ તપાસ અને કાગળ ઉપર રીપોર્ટીંગ કરનારા કર્મચારીઓની જવાબદારીનો પ્રશ્ન આવ્યો ત્યારે અસલી ખેલ શરૂ થયો. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તાલુકામાં મનરેગાની કોઇપણ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્રારા બરાબર કામગીરી થાય છે કે નહિ તે બાબતે ટીડીઓની, એપીઓની, ટેકનિકલની અને જીઆરએસ સહિતનાની અલગ અલગ જવાબદારી બને છે. આથી જવાબદારી ફિક્સ કરીને કસૂરવારો શોધી સ્પષ્ટ અહેવાલ આપવાને બદલે સાગબારા ટીડીઓએ ચોંકાવનારો અહેવાલ બનાવ્યો છે. ટીડીઓ ઉપેન્દ્રભાઇએ તાલુકાના કર્મચારીઓનો શંકાસ્પદ ખુલાસો માન્ય રાખી દોષનો ટોપલો ડીડીપીસી ઉપર ઢોળી દીધો છે. ફરજમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવનારા વિરુદ્ધ અહેવાલ આપવાને બદલે ફોન કરી પેમેન્ટ કરવાનું કહેનારને દોષિત ગણતાં હડકંપ મચી ગયો છે. એટલે કે, તાલુકાના તત્કાલીન જવાબદારોને બચાવવા ટીડીઓએ ફોન જ કેમ કર્યો તેવો આધાર લઈને ડીડીપીસીને આરોપી ઠેરવતાં વહીવટી આલમમાં ચકચાર મચી ગઈ છે.
કરોડોનું કૌભાંડ છૂપાવવા આ નાનકડું કૌભાંડ બહાર કાઢ્યું છે?
સૂત્રોનું માનીએ તો સાગબારા તાલુકામાં મનરેગા યોજનામાં પ્લાન્ટેશનનુ આ કૌભાંડ નાનું છે, હકીકતમાં આનાથી પણ મોટું કૌભાંડ થઇ ગયાની આશંકા આવી છે. એજન્સીના ખેલવાળા કથિત કૌભાંડની બૂમરાણ બહાર ના આવે એટલે હાલ આ કૌભાંડ ઉપર મથામણ કરી છે? આથી આગામી રિપોર્ટમાં એજન્સીઓના કથિત કૌભાંડની વિગતો રજૂ કરીશું અને કોણે કેવી રીતે મોડસ ઓપરેન્ડી કરી તેની પણ સિલસિલેવાર વિગતો જાણીશું.