વહીવટ@દેવગઢબારીયા: ટીડીઓ ભ્રષ્ટાચાર સામે મૂકપ્રેક્ષક છે? કૂવા કાંડની તપાસ કરવાથી ડર કેમ?

 
Devgadh Baria

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દેવગઢ બારિયા તાલુકાના કૂવા કાંડની તપાસનો હુકમ નહિ થવા પાછળ કયું કારણ હશે ? શું ટીડીઓ ભ્રષ્ટાચાર સામે મૂકપ્રેક્ષક છે? ભ્રષ્ટાચારીઓ એટલા બધા બાહુબલી છે કે ટીડીઓ તપાસમાં હાથ નાંખતા ડરે છે ? આ સવાલો એટલા માટે ઉભા થાય કે, વાંદર ગામમાં સામૂહિક કૌભાંડની ફરિયાદ છતાં ટીડીઓ જગદીશ રાઠવા તપાસનો હુકમ કરતાં નથી. ભ્રષ્ટાચાર કોણે કર્યો, કેટલો કર્યો, કેમ કર્યો, કેવી રીતે કર્યો એ તમામ તપાસ બાદ ખબર પડે. પરંતુ શું તપાસ થાય અને આ સવાલોના જવાબ મળી જાય એટલે તપાસ કરવામાં આવતી નથી? એવી તો શું મજબૂરી કે લાચારી અથવા ભ્રષ્ટાચારીઓની દાદાગીરી છે ? તો તપાસ કેમ નહિ, આવો જાણીએ દેવગઢ બારિયા તાલુકાના વહીવટની વહીવટી કહાની.

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના વાંદર ગામમાં એકસાથે 10થી વધુ પરિવારોને કાગળ ઉપર સરસ મજાનાં ગૃપ કૂવા બનાવી આપ્યા છે. પોતાની જમીન ઉપર કૂવા નહિ બનાવ્યાં છતાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ થઈ તેની વિગતો જાણતાં ખબર પડી કે, ગામમાં કૂવા કાંડનો ખેલ થયો છે. હવે સરકારના એક એક રૂપિયાની ચિન્તા કરવાની હોય છતાં ટીડીઓ જગદીશ રાઠવા કૂવા કાંડની તપાસ કરાવતાં નથી. ટીડીઓને સરકારનું હિત જોવું પડે કે નહિ? કૂવા કાંડની તપાસનો હુકમ કરવામાં ટીડીઓએ શું તકલીફ છે? ભ્રષ્ટાચારીઓ એટલા દાદા બની ગયા કે, તેમનાં નામ બહાર આવે તો તકલીફ થાય છે? જો મનરેગા હેઠળ કૂવા કાંડ નથી થયો અને ગૃપ કૂવા નિયમોનુસાર બન્યા હોય તો ગામનાં લોકો રાળ કેમ કરે છે? કૂવા કાંડની તપાસ થાય તો પેટમાં કોને દુઃખે છે? આ તમામ સવાલો દેવગઢબારીયા તાલુકા પંચાયતના પારદર્શક વહીવટ માટે અગત્યના છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આશંકા એવી પણ વ્યક્ત થાય છે કે, તપાસને કારણે નેતાજીના કથિત માણસોને કદાચ તકલીફ થાય તો? શું આવો કોઈ ડર હશે ? કૌભાંડ બહાર આવે તો બાહુબલી મટીરીયલ એજન્સીનુ નામ ખરાબ થાય છે ? વાંદર ગામના 10 લોકો એક જ વાત કરે છે કે, ગૃપ કૂવા પોતાને ત્યાં બન્યા નથી અને બોગસ લેબર આધારે લેબર ગ્રાન્ટ અને બોગસ બિલ આધારે મટીરીયલ ગ્રાન્ટ ઉપાડી લીધી છે. આથી જો સંપૂર્ણ તટસ્થ અને પારદર્શક તપાસ થાય તો નાની માછલી સાથે મોટી માછલી પણ ભોગ બની શકે છે. આવા સંજોગોમાં કૂવા કાંડને જેમ તેમ‌ કરીને સાઈડ કરવા દોડધામ શરૂ કરી છે.