ખળભળાટ@પંચમહાલ: સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચારમાં ટીડીઓનો પણ વારો લીધો, "ચોર છે" ના નારાથી ચકચાર

 
Pamchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગોધરા

પંચમહાલ જિલ્લામાં કોઈને કોઈ કારણોસર અત્યારે વિવિધ ગ્રામ પંચાયતોનુ રાજકારણ વગર ચૂંટણીએ ગરમાયું છે. ઘોઘંબા તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ સખત નારાજગી વચ્ચે ગામલોકો એકઠા થયા હતા. આ દરમ્યાન સરપંચ હટાવો, ગામ બચાવો ના નારા લગાવ્યા તો સરપંચ ચોર હોવાનો પણ સનસનીખેજ આક્ષેપ કરતાં સૂત્રોચ્ચાર કર્યા હતા. સરપંચ વિરુદ્ધની નારાજગી ગણતરીની મિનિટોમાં ટીડીઓ સામે આવી ગઈ હતી. નારાજ લોકોએ ટીડીઓને પણ આડે હાથ લીધા અને ટીડીઓ ચોર જેવો ગંભીર આક્ષેપ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાક્રમને પગલે ઘોઘંબા તાલુકા પંચાયત વહીવટી અને રાજકીય આલમમાં ચોંકાવનારી સ્થિતિ બની છે.

પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકા પંચાયતની સરસાવ ગૃપ ગ્રામ પંચાયત ચૂંટણી બાદ ગરમી પકડી રહી છે. તાજેતરમાં ચૂંટણી જીતી વિજયી બનેલા સરપંચ અચાનક કેટલાક ગામ લોકો રોષે ભરાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી નારાજગી આજે જાણે વિસ્ફોટક જેવી નોબત ઉપર આવી હોવાની ઘટના બની છે. ગામના કેટલાક લોકો આજે એકઠા થયા અને ખળભળાટ મચાવી દેતાં સૂત્રોચ્ચાર લગાવતાં હતા. સરપંચ હટાવો અને ગામ બચાવો, સરપંચ ચોર છે એવા નારા લગાવ્યા હતા. જોકે આ દરમ્યાન સરસાવ ગામના કેટલાક લોકોએ ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને પણ છોડ્યા નહિ અને સનસનીખેજ સૂત્રોચ્ચાર લગાવતાં હડકંપ મચી ગયો હતો. ગામલોકોએ સરપંચ બાદ ટીડીઓને પણ ચોર શબ્દ બોલતાં ગંભીર સવાલો ઉભા થયા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામલોકો આટલા હદે કેમ નારાજ બન્યા અથવા શું કોઈ ષડયંત્રનો ભાગ છે તે જાણતાં કંઈક અસ્પષ્ટ સ્થિતિ બની છે. સરસાવ સરપંચ હરીભાઇને પૂછતાં જણાવ્યું હતું કે, મારા વિરુદ્ધ ચૂંટણીમાં ઉભા રહેલા હારી ગયા એ લોકો આવું કરાવી રહ્યા છે. આ સાથે અગાઉના સરપંચ અને ડેપ્યુટી સાહેબોના નામે હપ્તા લેતાં હતાં અને મેં આ બધું બંધ કરાવ્યું તેના લીધે વિરોધ કરાવી રહ્યા છે. જોકે, હપ્તા અને ચૂંટણીમાં હારથી શું આટલાં હદે આક્રોશ ફાટી નીકળે ? અથવા જો સરપંચની વાત સાચી હોય તો વિરોધ કરનાર ગામલોકોએ ચોર શબ્દનો આરોપ કેમ મૂક્યો? આ તમામ સવાલો વચ્ચે હવે સરસાવ ગામથી ઉભો થયેલો વિરોધી વંટોળ ટીડીઓને આંગણે આવી પહોંચતાં મામલો વધુ ચર્ચાસ્પદ બનતો જાય છે.