રીપોર્ટ@લીમખેડા: મનરેગાના સ્ટોનબંધની તપાસ માટે ટીડીઓ પાસે સમયનો અભાવ, હવે માત્ર 2 એજન્સીનો આધાર

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
લીમખેડા તાલુકામાં મનરેગાની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી કરતાં ચાલાકીવાળી વધારે હોવાનું સામે આવ્યું છે. સ્ટોનબંધમા ગંભીર પ્રકારના કથિત ભ્રષ્ટાચાર મામલે ઇન્ચાર્જ ટીડીઓને ધ્યાને મૂકવા છતાં સમયનો અભાવ હોવાનું સામે આવ્યું છે. વારંવાર મિટીંગમાં અથવા જોઈ લઈએ કહીને કરોડોના સરકારી હિતને ટાળવામાં આવી રહ્યું છે. આથી હવે માત્ર 2 એજન્સી છે જે લીમખેડા તાલુકામાં સ્ટોનબંધનો પારદર્શક હિસાબ ચકાસી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી શકે છે. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ખાસ ગ્રામ વિકાસ કમિશ્નર કચેરી, ગાંધીનગરની ટીમ ફતેપુરાની જેમ લીમખેડા તાલુકામાં ઉતરે તેવી ખેડૂતોમાં લોકમાંગ ઉઠી છે. કેવી છે સ્ટોનબંધની ચોંકાવનારી કામગીરી જાણીએ અહિં.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ગત સમયે ગ્રામ વિકાસ કમિશ્નરની સ્પેશિયલ ટીમે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક રીપોર્ટ તૈયાર કર્યો હતો. હવે લીમખેડા તાલુકામાં મનરેગાના સ્ટોનબંધની કામગીરીમાં ભયંકર હદે કથિત ભ્રષ્ટાચારની બૂમરાણ ઉઠી છતાં તપાસનો જન્મ થયો નથી. વિગતો એવી છે કે, દાહોદ જિલ્લાના લગભગ તમામ તમામ તાલુકાઓમાં મનરેગા હેઠળ વિવિધ પ્રકારના કામો થાય છે પરંતુ એક લીમખેડા તાલુકામાં કંઇક અલગ પરિસ્થિતિ ઉભરી આવી છે. લીમખેડા તાલુકાની મનરેગા ટીમ છેલ્લા કેટલાય વર્ષોથી સૌથી વધુ સ્ટોનબંધના કામો પાર પાડી રહી છે. એક તો તપાસ વાળાને અથવા સામાન્ય મુલાકાતે આવેલાને ઝડપથી નજરે ના ચડે અને ભ્રષ્ટાચારના આક્ષેપથી દૂર રહેવા લીમખેડા તાલુકામાં મનરેગાના કામમાં સ્ટોનબંધની પસંદગીનો ઘટસ્ફોટ થઈ ગયો છે. આથી સમગ્ર મામલે લીમખેડા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ પરમારને વિગતો જણાવી કે, સરેરાશ 10 ગામોમાં 20થી વધુ સ્ટોનબંધ શંકાસ્પદ છે. સરકારના નાણાંકીય હિતનો સવાલ ધ્યાને આવતાં શરૂઆતમાં ઇન્ચાર્જ ટીડીઓ પરમારે જોવડાવી લેવાની વાત કરી પરંતુ હવે સમયનો અભાવ હોવાનું સામે આવ્યું છે. આથી કરોડોના કામની તપાસ દાહોદ ડીઆરડીએ અથવા ગાંધીનગર સીઆરડીની જવાબદારી મહત્વની બની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, લીમખેડા તાલુકામાં અનેક સ્ટોનબંધ સ્થળ ઉપર જ ના હોવાની વાત સામાન્ય નથી. આ સાથે અનેક સ્ટોનબંધની કામગીરીમાં લાલિયાવાડી કરી ગુણવત્તાનો સરેઆમ ભંગ કર્યો છે. ગંભીર પ્રકારના સવાલો જાણી હવે ઇન્ચાર્જ ટીડીઓ પરમાર મિટીંગમાં હોવાનું, એપીઓને કહ્યું હોવાનું, જોવડાવી દઈએ, સરકારનાં અન્ય કામમાં હોવાનું જણાવી કથિત ભ્રષ્ટાચારની તપાસને અડતાં પણ નથી. આવી સ્થિતિમાં ઇન્ચાર્જ ટીડીઓ પરમારની પારદર્શક ભૂમિકા સામે પણ સવાલો બનતાં જાગૃત નાગરિકોની સ્પેશિયલ ટીમે ગાંધીનગરની રાહ પકડી હોવાનું સામે આવ્યું છે.