નિર્ણય@ગાંધીનગર: નવા શૈક્ષણિક સત્રમાં પ્રવાસી શિક્ષકોની કામચલાઉ ભરતી કરાશે, જાણો વધુ

 
Teacher

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા લાંબી ચાલતી હોય છે, આવામાં શિક્ષકની ઘટના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની માઠી અસરો પડતી હોય છે. જેને નિવારવા પ્રવાસી શિક્ષકોની ભરતીના આધારે પણ શાળઓમાં વિવિધ વિષયનું શિક્ષણ કાર્ય આગળ ધપાવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં મળીને પ્રવાસી શિક્ષકોની 181 જગ્યા ભરવા માટેની કવાયત માટેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પુર્વે આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવશે.

ગાંધીનગરમાં પણ શાળાઓમાં વિવિધ વિષય શિક્ષકોની ઘટ છે. ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક વિભાગમાં 60 અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં 121 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનું ધ્યાને આવ્યું છે, શાળાઓ માં શિક્ષકોની મોટી ઘટના લીધે શિક્ષણનું સ્તર ચિંતાનો વિષય બને છે. ધોરણ 9, 10 અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પણ કથળે તેવા સંજોગો છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહે તેમજ પુરા અભ્યાસક્રમને પણ સમયસર આવરી લેવામાં આવે તે માટે કાયમી શિક્ષકોની ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકની કામચલાઉ ભરતી કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ આ પ્રવાસી શિક્ષકોને ચુકવાતા પગારમાં પણ વધારો કરવા વિચારણા ચાલી રહી છે, જેમાં રૂપિયા 16,500 જેટલો પગાર છે તેને વધારીને રૂપિયા 25,000 કરવા પર પણ વિચારણા કરવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. આગામી મહિનામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે ત્યારે જિલ્લામાં 181 જેટલી કાયમી શિક્ષકોની ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોને નિમણૂક આપવા સંબંધમાં રાજ્યના શિક્ષણ વિભાગની સૂચના અન્વયે કામચલાઉ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

આ અંગે મળતી માહિતી મુજબ શાળાઓમાં કાયમી શિક્ષકની ખાલી જગ્યા ભરાય નહીં એવા સંજોગોમાં જ પ્રવાસી શિક્ષકોની કામચલાઉ ભરતી કરવામાં આવેછે. જયારે કાયમી શિક્ષકની નિમણૂંકના અંતે પ્રવાસી શિક્ષકોને ફરજમુક્ત કરી દેવામાં આવે છે, જોકે કાયમી ભરતીની પ્રક્રિયા લાંબી ચાલતી હોવાથી હવે પ્રવાસી શિક્ષકોને શિક્ષણિક સત્રના અંત સુધીની સેવા સોપાશે.