રિપોર્ટ@ગુજરાત: TET-2ની પરીક્ષાને લઈ તંત્ર એલર્ટ: ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા અધધ.... ઉમેદવારોની દોટ
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી TET-2ને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે લેવાતી કસોટીને લઈને પરીક્ષા બોર્ડ એલર્ટ થઈ ગયું છે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી અંદાજે 2 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે. આ તમામ ઉમેદવારોમાં અંદાજે 96 ટકા ઉમેદવારો ગુજરાતી માધ્યમ માટે પરીક્ષા આપશે. એક તરફ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતી માધ્યમની હાલત ખસતા છે એક પછી એક શાળાઓને તાળા વાગી રહ્યાં છે છતાં ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા ઉમેદવારોની દોટ જોવા મળી છે.
શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે, TET-2 રાજ્યના 900થી વધુ પરીક્ષા કેન્દ્રો પર લેવાવાની છે. જેમાં રાજ્યભરમાંથી 2 લાખ 76 હજાર 66 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં કોઈ ગેરરિતી ન થાય તેને લઈને તો પરીક્ષા બોર્ડ એલર્ટ થઈ ગયું છે. પરીક્ષાને લઈને ખાસ એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. જોકે, આ પરીક્ષાના ઉમેદવારો પર નજર કરીએ તો શિક્ષક બનવાની યોગ્યતા કસોટીમાં કુલ ઉમેદવારોમાંથી અંદાજે 96 ટકા ઉમેદવારો ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપી રહ્યા છે.
સરકાર દ્વારા ખાનગી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ ફરજિયાત ગુજરાતી વિષય પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તે સારી બાબત છે પરંતુ પાછલા વર્ષોની વાત કરવામાં આવે તો માતૃભાષાની સ્કૂલોનો જાણે મૃત્યુઘંટ વાગ્યો હોય તેવું ચિત્ર જોવા મળ્યું છે. પાછલા પાંચ વર્ષમાં 207 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ છે. 120 જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને તાળા વાગ્યા છે, 700થી વધુ પ્રાથમિક શાળાઓને તાળા વાગ્યા છે. મહત્વનું છે કે, જે માધ્યમમાં ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે તે માધ્યમના જ તેઓ શિક્ષક બની શકે. એક તરફ ગુજરાતી માધ્યમની શાળાઓને તાળા વાગી રહ્યાં છે. બીજીતરફ ગુજરાતી માધ્યમમાં જ શિક્ષકો બનવા ઉમેદવારોમાં હોડ જામી છે. ત્યારે ટેટ -2 ક્લીયર કરનારા આ ઉમેદવારો ગુજરાતી મધ્યમમાં શિક્ષક કેવી રીતે બનશે તે સૌથી મોટો સવાલ છે.
રાજ્યભરમાંથી TET-2ને લઈ કુલ 2 લાખ 76 હજાર 66 ઉમેદવારોએ અરજી કરી
વિજ્ઞાન-ગણિત ગુજરાતી માધ્યમના કુલ ઉમેદવાર - 69119
વિજ્ઞાન-ગણિત અંગ્રેજી માધ્યમના કુલ ઉમેદવાર - 2812
વિજ્ઞાન-ગણિત હિન્દી માધ્યમના કુલ ઉમેદવાર - 961
ભાષાઓમાં ગુજરાતી માધ્યમના કુલ ઉમેદવાર - 120659
ભાષાઓ અંગ્રેજી માધ્યમના કુલ ઉમેદવાર 1590
ભાષાઓ હિન્દિ માધ્યમના કુલ ઉમેદવાર 1714
સામાજિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમ કુલ ઉમેદવાર 76013
સામાજિક વિજ્ઞાન અંગ્રેજી માધ્યમના કુલ ઉમેદવાર 1711
સામાજિક વિજ્ઞાન હિન્દી માધ્યમના કુલ ઉમેદવાર 1487
આમ કુલ ઉમેદવાર - 2,76,066
ગુજરાતી માધ્યમના - 2,65,791
અંગ્રેજી માધ્યમના - 6,113
હિન્દ માધ્યમના - 4,162