ગંભીર@ફતેપુરા: સ્વચ્છ ભારત મિશનના એકાઉન્ટન્ટે "ઉપરવાળાના" નામે કરી બેફામ ઉઘરાણી

 
Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ફતેપુરા તાલુકાના મનરેગા એકાઉન્ટન્ટે કટકી લીધાના અહેવાલ બાદ થયેલી બદલી પછી વધુ એક હિસાબીનો હિસાબ બહાર આવ્યો છે. સ્વચ્છ ભારત મિશનના એકાઉન્ટન્ટે "ઉપરવાળાના" નામે ગ્રાન્ટના ચુકવણા દરમિયાન બેફામ ઉઘરાણી કરી છે. સરપંચો, લાભાર્થીઓ અને કચેરીવાળા સહિતના સોર્સથી મળેલી વિગતો આધારે સામે આવ્યું કે, સ્વચ્છ ભારત મિશનનો કરારી એકાઉન્ટન્ટ ભ્રષ્ટાચારમાં મસગુલ છે. 90 લાખની ગ્રાન્ટ ચૂકવણાના હિસાબમાં લાભાર્થીઓ પાસેથી ગેરકાનૂની હિસાબ વસૂલ્યો હોવાનો ઘટસ્ફોટ એક પછી એક સોર્સ મારફતે થઈ રહ્યો છે. કેવી રીતે અને કેમ એકાઉન્ટન્ટે બેફામ ઉઘરાણી કરી તેનો બીજો અધ્યાય સમજીએ.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતને અત્યારે પારદર્શક અને પ્રામાણિક ટીડીઓ મળ્યા છે. જ્યારે તત્કાલીન ઇન્ચાર્જ ટીડીઓ અસારીએ પણ પારદર્શક ફરજ આપી હશે પરંતુ વિવિધ યોજનામાં હિસાબવાળા બારોબાર હિસાબ લઈ પ્રામાણિક તંત્રને ડાઘ લગાવે છે. મનરેગા એકાઉન્ટન્ટ વિરૂદ્ધમાં ગંભીર ફરિયાદ બાદ સ્વચ્છ ભારત મિશનના એકાઉન્ટન્ટ ચારેલ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના ભંડાફોડ આવી રહ્યા છે. સોકપીટ માટે આવેલી સરેરાશ 90 લાખ જેટલી ગ્રાન્ટનો હિસાબ સંભાળતાં ચારેલે લાભાર્થીઓ પાસેથી હિસાબ વસૂલ્યો છે. ઉપરવાળાના નામે ગામ દીઠ, સોકપીટ દીઠ, ગ્રાન્ટ દીઠ અને ફાઇલ દીઠ ટકાવારી લીધી છે. આ બાબતે ખુદ કચેરીમાંથી ઘટસ્ફોટ થયા બાદ આજે કેટલાક સરપંચો પણ નારાજ થયાનું સામે આવ્યું તેથી વધુ ઉંડાણમાં જતાં એક નેતાએ પણ ઘટસ્ફોટ કર્યો છે. ભ્રષ્ટાચાર સામેની લડાઇ લડતાં યુવક પાસેથી પણ ઉપરવાળાના નામે ટકાવારી માંગી હોવાનું જાણવા મળ્યું છે. જાણો નીચેના કેમ ભ્રષ્ટાચારમાં દબંગ બન્યા એકાઉન્ટન્ટ ચારેલ?

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફતેપુરા તાલુકા પંચાયતની એસબીએમ શાખાનાં કરારી એકાઉન્ટન્ટ ચારેલની અગાઉ કેટલીક વખત બદલી થઈ હતી. જોકે થોડાં સમય પછી ચારેલ ફરી ફતેપુરા તાલુકામાં આવી જાય છે એટલે વર્ષોથી એકાઉન્ટન્ટ ચારેલનો ફતેપુરામાં દબદબો ઉભો થયો છે. હવે ટીડીઓ કે એટીડીઓ ગમે તેટલા પારદર્શક બને પરંતુ આ એકાઉન્ટન્ટ ઉપરવાળાના નામે ઉઘરાણું કરે એટલે લાભાર્થીઓ પણ ચોંકી જાય છે. જાણકારોના મતે, એકાઉન્ટન્ટ ચારેલે અલગ અલગ સમયે વર્ષો સુધી ફતેપુરા તાલુકામાં ફરજ આપી હોવાથી ઉપરવાળાના નામો વટાવી લેવામાં સરળતા અને સાહસ બની ગયું છે અને ઉપરવાળામા કોઈનું વ્યક્તિગત નામ ના હોવાથી હિસાબ આપનાર પણ હિસાબ ખાનાર ભાગીદારોના ચહેરા જાણી શકતા નથી, આ વાત એકાઉન્ટન્ટ ચારેલ બરાબર જાણતાં હોઇ ઉપરવાળાના નામે કટકીનો કાંડ થાય છે.