આક્રોશ@બનાસકાંઠા: સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોનો રોષ ભભૂક્યો, MLA-આગેવાનોએ કરી કચેરીની તાળાબંધી

 
Vav MLA

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ સહિત વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતા ખેડૂતો સાથે આગેવાનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે દર વર્ષે રવિ સિઝન ચાલુ થાય ત્યારે આવી જ પરિસ્થિતિ ઉભી થતી હોય છે. નર્મદા નિગમ દ્વારા રવિ સિઝન ચાલુ થાય તે દરમિયાન કેનાલ સાફ-સફાઈના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે, અને સફાઈનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે, આજે પણ અસંખ્ય કેનાલ સાફ સફાઈ વગર અને પાણી વિના કોરી ધોકાર છે.કોન્ટ્રેક્ટરો ધીમી ગતિએ કામ ચાલુ રાખશે તો સિઝન પૂરી થયા પછી પણ ખેડૂતોને નહીં મળે સિંચાઈ માટે પાણી તેવા ખેડૂતોએ આક્ષેપો કરી રહ્યા છે. 

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ કૉંગ્રેસના આગેવાનો સાથે ખેડૂતો સાથે મળી ખેડૂતોએ થરાદ નર્મદા કચેરી ખાતે સરહદી વિસ્તારમાં પાણીની મળે તેની રજૂઆત કરવા પહોંચ્યા હતા, જોકે કચેરી ખાતે અધિક્ષક ઇજનેર સહિત જવાબદાર અધિકારી કોઈ હાજર ન મળતા વાવના ધારાસભ્ય સહિત ખેડૂતોએ ખાલી ખુરશીમાં રજુઆત લેટર ચોંટાડયો હતો અને કચેરીના મુખ્ય દરવાજાને તાળાબંધી કરી ખેડૂતો સાથે આગેવાનોએ તેમજ વાવના ધારાસભ્યએ રામધૂન બોલાવી હતી.

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, રવિ સીઝન ચાલુ થઈ છે ત્યારે જ નમદા નિગમ દ્વારા ઉપરથી સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતા ખેડૂતોને હેરાન પરેશાન થઈ રહ્યા છે, જોકે રાજસ્થાનમાં ચૂંટણી હોવાના કારણે ત્યાં પૂરતું પાણી ન પહોંચાડી ખેડૂતોને અન્યાય કરી રહી છે. ખેડૂતો સાથે વાવના ધારાસભ્ય રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ કચેરીમાં અધિક્ષક ઇજનેર સહિત જવાબદાર અધિકારીઓ હાજર ન હતા, આ કારણે કચેરીને તાળા બંધી કરીને રામધૂન બોલાવી હતી. ખેડૂતો પણ રોષે ભરાયા હતા તેમણે કહ્યું કે જો બે દિવસમાં છેવાડાના ગામડાઓમાં પાણી નહિ મળે તો ઉગ્ર આંદોલન કરીને નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડીશું.