રિપોર્ટ@સાબરકાંઠા: હિંમતનગર તાલુકા પંચાયતનું પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયું
અટલ સમાચાર, ડેસ્ક
હિંમતનગર તાલુકા પંચાયતનું વર્ષ 2024 નું બજેટ તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતુ. જોકે વિપક્ષે કેટલાક મુદ્દાને આગળ ધરીને બજેટ બેઠકમાંથી વોક આઉટ કર્યો હતો. ત્યારબાદ દેખાવ ખાતર વિપક્ષે બજેટની નકલની હોળી કરી હતી. હિંમતનગર તાલુકા પંચાયતની કુલ 30 બેઠક છે. જે પૈકી ભાજપ 21, કોંગ્રેસ 07 અને 01 બેઠક અપક્ષને ફાળે ગઈ છે. બજેટ બેઠકમાં 17 થી વધુ સભ્યો હાજર રહ્યા હતા અને બજેટને સર્વાનુમતે મંજુર કરાયું હતુ.
આજરોજ હિંમતનગર તાલુકામાં વર્ષ 2024-25 ના વાર્ષિક અંદાજપત્ર તાલુકા બેઠકમાં પંચાયતના પ્રમુખ ભુમિકાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ દિલીપસિંહ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી પી.સી.સિસોદીયા અને સભ્યોની ઉપસ્થિતિમાં રજુ કરવામાં આવ્યું હતું. ત્યારે તાલુકા પંચાયતની ઉઘડતી સીલક અંદાજે રૂ. 2947.53 લાખ આંકવામાં આવી છે. તેની સાથે સ્વભંડોળના રૂ. 569.92 લાખ સહિત રૂ. 18956.46 લાખની અપેક્ષિત આવક સાથે રૂ 2865.46 લાખની પુરાંતની જોગવાઈ દર્શાવામાં આવી છે. તાલુકા પંચાયતની સ્વભંડોળની આવક મર્યાદીત હોવા છતાં વિકાસકામો માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે.
જે મુજબ પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ. 17 લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂ. 2.10 લાખ, આરોગ્ય અને કુંટુંબ કલ્યાણ રૂ. 1.20 લાખ, ખેતીવાડી રૂ. 17 લાખ, પશુપાલન રૂ. 1 લાખ, સમાજ કલ્યાંણ માટે રૂ. 5.70 લાખ, કુદરતી આફતો માટે રૂ.50 હજાર, નાની સિંચાઈ માટે રૂ. 10 લાખ, જાહેર બાંધકામ માટે રૂ. 209 લાખ અને પ્રકિર્ણક્ષેત્ર માટે રૂ. 10.10 લાખની આવકની મર્યાદામાં રહીને વર્ષ દરમ્યાન સ્વભંડોળમાંથી ખર્ચ કરાશે.